calendar_todayJanuary 11, 2026
Zaghdiya: ઝાડી ઝાંખરામાં સંતાડેલ ચોરીના મેગ્નેશિયમનો જથ્થો ઝડપાયો
ઝઘડિયા જીઆઇડીસી પોલીસે દધેડા ગામ નજીક ઝાડીઝાંખરામાં સંતાડી રાખેલ ચોરીના મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ બેગો સાથે ચાર ઇસમોને ઝડપી લીધા હતા,જ્યારે તપાસ દરમિયાન અન્ય બે ઇસમોને ઝડપી લઇને કુલ છ ઇસમોની અટકાયત કરી હતી.
ઝઘડિયા જીઆઇડીસીની પેન્ટાફેસ કંપનીના વેરહાઉસમાંથી મેગ્નેશિયમ ભરેલ સાત બેગોની ચોરી થઇ હોવાની ફરિયાદ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાઇ હતી,ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ગણતરીના સમયમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસ સ્ટાફ્ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે દધેડા ગામ નજીક ઝાડી ઝાંખરામાં ચાર ઇસમોએ મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ જેટલી બેગો સંતાડી રાખી છે,અને મોટરસાયકલ પર તેને સગેવગે કરવાની ગોઠવણમાં છે. પોલીસ ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને સદર ચાર ઇસમો (1) જયેશભાઇ ભાનુભાઇ વસાવા રહે. દધેડા ગામ તા.ઝઘડિયા જિ.ભરૂચ, (2) મનોજભાઇ ફ્તેસિંગભાઇ વસાવા રહે.વાસણા ગામ તા.ઝઘડિયા જિ.ભરૂચ, (3) હુસેન નાજીમ રહે.દધેડા તથા (4) કિશનભાઇ ઉમેશભાઇ વસાવા રહે.તવરા ગામ તા.જિ.ભરૂચનાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા,જ્યારે અન્ય બે ઇસમો (1) અવધેશ છત્રસાલ સિંઘ હાલ રહે. દધેડા ગામ અને મુળ રહે.ઉત્તરપ્રદેશ તેમજ (2) સુબોત રવિન્દ્રસિંગ તોમર હાલ રહે.દધેડા ગામ અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને તપાસ દરમિયાન ઝડપી લીધા હતા. પોલીસે મેગ્નેશીયમ મટીરીયલના ટુકડા ભરેલ છ નંગ બેગો, બે મોટરસાયકલો તેમજ મોબાઇલ નંગ 4 મળી કુલ રૂપિયા 1,84,000 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાંથી ડિઝલ ચોરી, મટિરીયલની ચોરી, કેમિકલની ચોરી સહિત અનેક ચોરીઓનો અંજામ તસ્કરો દ્વારા આપવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ કડક હાથે કામ લે તેવી માગ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો