Mandal: દાલોદમાં કોમ્યુનીટી હોલને જમીનદોસ્ત કરાતા વિવાદ
અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના દાલોદ ગામે પે સેન્ટર શાળાની પાછળ આવેલ કોમ્યુનિટી હોલને ગત તા.18/11/2025ના રોજ પાડી દેવામાં આવ્યો હતો. દાલોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિશનભાઈ સેંધવે કોમ્યુનિટી હોલને જમીનદોસ્ત કરવાના મુદ્દે વિરોધ નોંધાવી તાલુકા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ સુધી પ્રશ્નની રજૂઆત કરીને સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરી છે.દાલોદ ગામના ઉપસરપંચે લેખિત રજુઆતોમાં જણાવેલ હતું કે, આ કોમ્યુનિટી હોલને પાડતાં પહેલાં સરકારની ગાઈડલાઈન અનુસાર જવાબદાર તંત્ર પાસેથી મંજુરી લેવાની હોય છે પરંતુ નિતી નિયમોના પાલન કર્યા વગર આ હોલને પાડી દેવામાં આવ્યો હતો. તા.18 નવેમ્બરના રોજ સવારે જે.સી.બી મશીનથી આ હોલને જમીનદોસ્ત કરાયો અને તાત્કાલિક ઉપસરપંચે તેની પ્રાથમિક રજુઆત તાલુકા વિકાસ અધિકારી ભુમિકા પટેલને કરી હતી અને રજુઆતમાં આ કોમ્યુનિટી હોલને પાડવા માટેની મંજુરીનો લેટર, જર્જરિત હોલ નહોતો તેમ છતાં પાડવાનું કારણ અને આ હોલને જમીનદોસ્ત કરવા પાછળ જવાબદાર તંત્ર કોણ છે ? તે તમામ મુદ્દાઓને લઈ તપાસની માંગ કરી હતી. જોકે આ રજુઆતને લઈને આવનાર અરજદાર દાલોદના ઉપસરપંચને થોડા સમય બાદ સંતોષકારક જવાબ નહીં મળતાં અને કાર્યવાહી યોગ્ય દિશામાં નહીં ચાલતાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીને પણ 16 ડીસેમ્બરના રોજ ઉપરોક્ત વિષયને લઈને લેખિત રજુઆત કરાઈ અને મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં પણ તા.6 જાન્યુઆરીના રોજ આ પ્રશ્નને મુકવામાં આવ્યો હતો. આ કોમ્યુનિટી હોલ જમીનદોસ્ત કરવાના વિષયને લઈ માહિતી અધિકારના નિયમો આધિન તલાટી કમ મંત્રીને આર.ટી.આઈ કરીને પણ મંજુરીની નકલો આપવી, મિલ્કતની હરાજી અને જે તે એજન્સીની નિયુક્તિ કરી હોય તેની વિગતો, આ મિલ્કતને પાડવાનો કરેલ નિયત ખર્ચની વિગતો, કાટમાળની આવક અને આવક-જાવકના રજીસ્ટરો સહિતની વિગતોની માંગ કરી હતી. દાલોદ ગામે બે માસ પુર્વે કોમ્યુનિટી હોલને પાડી દેવાયો હતો અને અરજદારે વહીવટી તંત્રમાં રજુઆતો કરેલી, આર.ટી.આઈથી પણ માહિતી માંગેલી પરંતુ આ બાબતે આજદિન સુધી યોગ્ય ન્યાયિક કાર્યવાહી નહીં થતાં દાલોદના ઉપસરપંચે ઝડપી ન્યાય આપવાની માંગ ઉભી કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward