Vadodara News: મારામારીનો કેસમાં 3 ડિલિવરી બોયની ધરપકડ
સંસ્કારી નગરી વડોદરામાં ઓનલાઇન ડિલિવરી કંપનીના કર્મચારીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. ઓર્ડર મેળવવાની લ્હાયમાં અને આંતરિક બોલાચાલીમાં વાત એટલી વણસી ગઈ હતી કે રસ્તા પર જ યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે ત્રણેય ડિલિવરી બોયઝની ધરપકડ કરી લીધી છે.શું હતો સમગ્ર મામલો? વડોદરા શહેરમાં ઓનલાઇન ઓર્ડર ડિલિવરી કરવા બાબતે કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીમાં વાત કાબૂ બહાર જતાં ડિલિવરી બોયઝ વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ હતી. આ દ્રશ્યો આસપાસના લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા અને થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા પર તૂટી પડતા જોઈ શકાયા હતા, જેનાથી જાહેર માર્ગ પર લોકોમાં કુતૂહલ અને ભય ફેલાયો હતો. પોલીસે ત્રણની ધરપકડ કરી વાયરલ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીમાં સામેલ ત્રણ મુખ્ય શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ હિતેશ ગાંધી, પ્રફુલ પટેલ અને મોહંમદ મલિકનો સમાવેશ થાય છે. ઓર્ડરની માથાકૂટ પડી મોંઘી પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, વધુ ઓર્ડર લેવા અથવા ડિલિવરીના શિડ્યુલ બાબતે આ કર્મચારીઓ વચ્ચે જૂની કોઈ અદાવત અથવા તાત્કાલિક ઉશ્કેરણી થઈ હતી. ડિલિવરી કંપનીઓમાં વધતા સ્પર્ધાત્મક દબાણ વચ્ચે કર્મચારીઓ હવે રસ્તા પર પણ બાખડી રહ્યા હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. હાલ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પણ વાંચો - Vadodara : MS યુનિવર્સિટીની રિયા સિંઘે અશ્લીલતા ફેલાવનારને ભણાવ્યો પાઠ
Read Full Story arrow_forward