Vapi: સલવાવ બ્રિજ નજીક ટ્રાફિકજામથી કલાકો સુધી અટવાતા વાહનચાલકો
નેશનલ હાઇવે નંબર 48 પર અમદાવાદ-મુંબઈ હાઇવેના વાપી નજીક સલવાવ બ્રિજ પાસે રોડની કામગીરીને કારણે છેલ્લા બે દિવસથી ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સલવાવ બ્રિજના આગળના છેડેથી અમદાવાદ તરફના માર્ગ પર બલીઠા સ્થિત બરમદેવ મંદિર સુધી આશરે એક કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. પરિણામે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડે છે. હાઇવે ઓથોરિટી દ્વારા દિવસ દરમિયાન હાથ ધરવામાં આવતી રોડની ધીમી કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. ખાસ કરીને સાંજના સમયે અને પીક અવર્સ દરમિયાન વાહનોની સંખ્યામાં વધારો થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વાપીના ઔદ્યોગિક એકમોમાં નોકરી-ધંધા માટે આવતા-જતા હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકજામથી બચવા કેટલાક વાહનચાલકો રોંગ સાઇડ પર વાહનો હંકારી રહ્યા હોવાથી અકસ્માતની ભીતિ છે. મુખ્ય હાઇવે પર આ પ્રકારની અવ્યવસ્થાથી અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક વાહનચાલકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રોડની કામગીરી ઝડપી બનાવવાની અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. હાઇવે ઓથોરિટી દ્વારા વાહનવ્યવહારને ઓછામાં ઓછો અવરોધ થાય તે રીતે કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઊઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward