Padma Awards 2026: ગૌસેવા અને સુરનો સંગમ: કચ્છના ગૌરવ 'હાજી રમકડું' ને પદ્મશ્રી સન્માન
કહેવાય છે કે કલાને કોઈ સીમાડા હોતા નથી અને જ્યારે કલા સાથે લોકસેવા ભળે ત્યારે તે 'પદ્મશ્રી' જેવું સર્વોચ્ચ શિખર સર કરે છે. જૂનાગઢના વતની અને સમગ્ર વિશ્વમાં 'હાજી રમકડું' તરીકે જાણીતા મીર હાજીભાઈ કાસમભાઈને વર્ષ 2026ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 9 વર્ષની ઉંમરે શરૂ થયેલી એક બાળકની સફર આજે 80 વર્ષની વયે દેશના સર્વોચ્ચ સન્માન સુધી પહોંચી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અણમોલ રત્ન અને જાણીતા ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ જેમનું લોકપ્રિય નામ: 'હાજી રમકડું' છે, તેમને કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. વારસાગત કલા અને 20,000 કાર્યક્રમોની સફર પોતાની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા હાજીભાઈએ જણાવ્યું હતું કે, આ સફર મારા પિતાથી શરૂ થઈ હતી. મેં મારું આખું જીવન કલા અને સેવા માટે સમર્પિત કર્યું છે. અત્યાર સુધીમાં મેં 20,000 થી વધુ કાર્યક્રમો આપ્યા છે અને મંદિરોમાં પણ સેવા આપી છે. પદ્મશ્રી મળવાથી આજે મને અહેસાસ થાય છે કે, મારી જીવનની સફર સફળ થઈ ગઈ છે. કોમી એકતા અને ગૌસેવાના પ્રતીક હાજીભાઈ માત્ર એક કલાકાર નથી, પણ માનવતાના મશાલચી છે. હાજી રમકડું મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મની ભક્તિ પરંપરા અને ભજનો સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. તેમણે છેલ્લા 4 દાયકાથી ગૌશાળાઓ અને ગૌસેવા માટે 3,000 થી વધુ કાર્યક્રમો કરી દાન એકઠું કર્યું છે. મંદિરોમાં સેવા આપતા હાજીભાઈ સાચા અર્થમાં સદ્દભાવ અને કોમી એકતાનું જીવંત ઉદાહરણ છે. ભજન, સંતવાણી અને કવ્વાલીમાં તેમની ઢોલકની થાપ ધર્મની સીમાઓ ઓળંગીને એકતાનો સંદેશ આપે છે. વારસાગત કલા અને સંઘર્ષની વાત હાજીભાઈને ઢોલક વગાડવાની કલા વારસામાં મળી છે. તેમના પિતા કાસમભાઈ પણ જાણીતા વાદક હતા. શરૂઆતના દિવસોમાં નાટક કંપનીઓ અને બેન્ડ પાર્ટીઓમાં ઢોલ વગાડનાર હાજીભાઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની થાપ એક દિવસ વિદેશોના સ્ટેજ ગજવશે. તેમણે લગ્ન પ્રસંગો અને ફૂલેકાઓમાં ઢોલ વગાડીને પોતાની કલાને કંડારી છે. પ્રાણલાલ વ્યાસ સાથેની 25 વર્ષની અતૂટ સંગત ગુજરાતના પ્રખ્યાત ભજનિક પ્રાણલાલ વ્યાસ (પ્રાણબાપા) સાથે હાજીભાઈએ અઢી દાયકા સુધી સંગત કરી. ‘નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં’ જેવા અજરામર લોકગીતોમાં જ્યારે હાજી રમકડુંનું ઢોલક વાગતું, ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. હાજીભાઈ કહે છે, "પ્રાણબાપાએ મને કલાકાર તરીકે ઓળખ આપી. મેં ક્યારેય પૈસાની અપેક્ષા રાખી નથી, માત્ર તેમની ગાયકીને મારા ઢોલકથી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે." સમગ્ર વિશ્વમાં ગૂંજ્યો ગુજરાતનો ઢોલક રસધાર સંસ્થા સાથે જોડાઈને હાજીભાઈએ ડાયરાની સંસ્કૃતિને લોકપ્રિય બનાવી. દિવાળીબેન ભીલ અને લાખાભાઈ ગઢવી જેવા દિગ્ગજો સાથે કામ કરનાર હાજીભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કલાની કદર કરી છે, ત્યારે જૂનાગઢના ભીખાભાઈ જોષી સહિત સમગ્ર ગુજરાતના કલાપ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.https://x.com/ANI/status/2015386162786079037 વડાપ્રધાન મોદી સાથેનો અતૂટ નાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ હાજીભાઈ પર તેમના આશીર્વાદ રહ્યા છે. હાજીભાઈએ ગદગદિત થઈને કહ્યું કે, નરેન્દ્રભાઈએ મારું જીવન સફળ બનાવી દીધું છે. તેઓ જ્યારે પણ મને મળતા ત્યારે હંમેશા આશીર્વાદ આપતા. આ પણ વાંચો - Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર, 45 લોકોની યાદી સામે આવી
Read Full Story arrow_forward