Ankleswar: જીતાલી ગામેથી મળેલી પાંચ વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
અંકલેશ્વરની પદમાવતી સોસાયટીમાંથી રમતા-રમતા ગુમ થયેલી 5 વર્ષીય બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોલીસે તેના પરિવારને સોંપી માનવતા મહેકાવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં ગુમ થયેલા કે અપહરણ કરાયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.ઘટનાની વિગત મુજબ, અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલી પદમાવતી સોસાયટીમાં રહેતી સબનમ નામની 5 વર્ષની બાળકી રમતા-રમતા રસ્તો ભટકીને જીતાલી ગ્રીન પાર્ક સોસાયટીમાં પહોંચી ગઈ હતી. અજાણી બાળકીને એકલી જોઈ જાગૃત નાગરિકોએ જનરક્ષક હેલ્પ લાઇન- 112 ઉપર જાણ કરતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સુરક્ષિત રીતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસે બાળકીનો ફેટો મેળવી રાત્રી દરમિયાન જીતાલી, દઢાલ, સેંગપુર, મીરાનગર અને સાળંગપુર જેવા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસની ટીમોએ ઘરે-ઘરે જઈ ફેટો બતાવી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની સતત મહેનતને અંતે બાળકીના વાલી વારસની ઓળખ થઈ હતી.રાત્રિના સમયે જ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી માસૂમ બાળકીનો કબજો તેના ચિંતિત પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોતાની વ્હાલસોયી દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારે અંકલેશ્વર રૂરલ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward