Ahmedabad: 20 કિલો ગાંજા સાથે અસલાલીમાંથી પકડાયેલા દોષિતને દસ વર્ષની કેદ
શહેરના પૂર્વ અસલાલી વિસ્તારમાંથી પસાર થતી કારમાંથી 20 કિલો ગાંજાના જથ્થા સાથે દસ વર્ષ પહેલા પકડાયેલા શૈલેષ ઉર્ફે લાલો શંભુભાઈ પ્રજાપતિને એનડીપીએસના ખાસ જજ વી.બી.રાજપૂતે ગુનેગાર ઠરાવીને દસ વર્ષની કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવતા નોંધ્યું હતું કે, કે, દેશમાં નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે. જેના લીધે જાહેર જનતાનો એક વર્ગ, ખાસ કરીને કિશોરો અને વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વ્યસનનું કારણ બની રહ્યુ છે. તાજેતરના વર્ષોમાં ડ્રગ્સની સમસ્યા ગંભીર અને ચિંતાજનક બની રહી છે. ડ્રગ્સની આડ અસરની સમાજ ઉપર ઘાતક અસર પડી રહી છે. ત્યારે આરોપીનું વ્યકિતગત હિત નહીં પરંતુ જાહેર હિત, સમગ્ર સમાજ ઉપરની અસર ધ્યાને લઈને સમાજમાં દાખલો બેસાડવા સજા કરવી ન્યાયના હિતમાં જરૂરી છે.આ કેસની વિગત એવી છે કે, સરદાર પટેલ રીંગરોડ ઉપર હાથીજણ સર્કલથી અસલાલી સર્કલ તરફ પસાર થતી કારમાં ગાંજાનો જથ્થો જવાનો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ગત તા.10-5-2015ના રોજ કારની ઝડતી લેતા પ્લાસ્ટીકના મીણીયાના ત્રણ થેલામાંથી કુલ 20 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કારના ચાલક શૈલેષ ઉર્ફે લાલો શંભુભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward