Dahod:રાજસ્થાની યુવકનું અપહરણ કરી દાહોદની ત્રિપુટીએ ખંડણી માગી
રાજસ્થાનના યુવકને દાહોદમાં યુવકો સાથેની મિત્રતા ભારે પડી હતી. દાહોદના ત્રણ મિત્રોએ એક ઘરમાં યુવકને ગોંધી રાખીને માર માર્યો હતો અને પરિવારને વીડિયો કોલ કરીને રૂા.50 હજારની ખંડણી માંગી હતી. આ મામલે દાહોદ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ બાદ પોલીસે યુવકને છોડાવી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.બનાવ અંગે DySP જગદીશ ભંડારીએ સંપૂર્ણ માહીતી આપતાં જણાવ્યું હતું કે, મૂળ રાજસ્થાનનો શ્યામલાલ દાહોદ ખાતે ફર્નીચરનું કામ કરવા આવ્યો હતો, જ્યાં તેને દાહોદના શંકર સાંસી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ તે અવારનવાર શંકરને રૂપિયાની જરૂરીયાત હોય તો ઉછીના આપતો હતો. દરમિયાન શ્યામલાલનું દાહોદનું કામ પૂરું થઈ જતા, અને બીજુ કામ ના મળતા અમદાવાદ કામ જોવા ગયો હતો. જેથી શંકરે તેની સોનાની વીંટી પરત આપી જવાનું કહી દાહોદ બોલાવ્યો હતો. દાહોદ પરત આવતાં શંકર કૈલાશ સાંસી, કૃણાલ રવિ સાંસી અને તોસિફ સફી અંસારી નામના ત્રણ મિત્રોએ નવા વર્ષની પાર્ટીની લાલચ આપી એક મકાનમાં લઈ ગયા હતાં. જ્યાં ત્રણેયે શ્યામલાલને પટ્ટાથી માર મારી રૂપિયાની માંગણી કરી હતી. દરમિયાન શ્યામલાલે પોતાનું લોકેશન પરિવારજનોને મોકલી આપ્યું હતું. ત્રણેય યુવકોએ શ્યામલાલના ફોનથી તેના પરિવારજનોને વીડિયો કોલ કરી રૂા.50 હજારની માંગણી કરી સિગારેટના ડામ દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલા પરિવારજનોએ દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરી લોકેશન આપ્યું હતું, તેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે તે સ્થળે પહોંચી જઈ શ્યામલાલને હેમખેમ છોડાવી ત્રણેયની ધરપકડ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward