android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Typhoid Fever: ગાંધીનગરમાં ટાઇફોઇડના 132 કેસ, જાણો શું હોય છે લક્ષણો
calendar_today January 5, 2026

Typhoid Fever: ગાંધીનગરમાં ટાઇફોઇડના 132 કેસ, જાણો શું હોય છે લક્ષણો

ટાઇફોઇડ એક પાણી જન્ય રોગ છે. જે દૂષિત પાણીને કારણે થાય છે. ત્યારે ઇન્દૌર તથા  ગુજરાતના ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થયો છે. 132 ટાઇફોઇડના કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગાંધીનગર મનપા વિસ્તારમાં 75 ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ ટાઇફોઇડના લક્ષણો શું છે. ટાઇફોઇડ તાવ શું હોય છે? ટાઇફોઇડ તાવ એક ગંભીર ચેપ છે જેને તબીબી ભાષામાં એન્ટરિક તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ મુખ્યત્વે આંતરડા અને લોહીને અસર કરે છે, જેના કારણે તીવ્ર તાવ, પેટમાં દુખાવો અને નબળાઇ આવે છે. આ રોગ બાળકો અને યુવાનોમાં સૌથી સામાન્ય છે. ખરાબ પાણી અને સ્વચ્છતાના અભાવ વાળા વિસ્તારોમાં રહેતા અથવા મુસાફરી કરતા કોઈપણને અસર થઈ શકે છે. ભારતમાં ટાઇફોઇડ ફેલાવાના મુખ્ય કારણો દૂષિત પાણી અને નબળી સ્વચ્છતા છે. ઘણી જગ્યાએ, ખુલ્લા કુવાઓ, હેન્ડપંપ અને પાઇપલાઇનમાં હજુ પણ પાણીનો ઉપયોગ થાય છે, જે વરસાદ અથવા પૂર દરમિયાન ગટરથી દૂષિત થઈ જાય છે.  ખુલ્લામાં મળત્યાગ, વહેતા ગટર અને નબળી ગટર વ્યવસ્થા પણ બેક્ટેરિયાના ઝડપી ફેલાવામાં ફાળો આપે છે. અસ્વચ્છ રીતે ખોરાક રાંધવા અને વેચવા એ એક મુખ્ય પરિબળ છે. શેરી ખોરાક, કાચા શાકભાજી, લસ્સી અને શેરડીનો રસ, જો સ્વચ્છ પાણી અને હાથથી તૈયાર ન કરવામાં આવે તો ચેપ ફેલાવાનું જોખમ વધારે છે. કેટલાક લોકો ટાઇફોઇડમાંથી સ્વસ્થ થયા પછી પણ તેમના શરીરમાં બેક્ટેરિયા વહન કરવાનું ચાલુ રાખે છે અને અજાણતાં અન્ય લોકોને ચેપ લગાડે છે. લક્ષણો ક્યારે દેખાય છે? ટાઇફોઇડના લક્ષણો સામાન્ય રીતે ચેપ પછી 1 થી 3 અઠવાડિયા પછી દેખાય છે. શરૂઆતમાં તે ગંભીર ફ્લૂ જેવા હોય છે. સામાન્ય લક્ષણોમાં ધીમે ધીમે વધતો તાવ, માથાનો દુખાવો, નબળાઈ, અતિશય થાક અનુભવાય છે. પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી, ઉબકા કે ઉલટી, સૂકી ઉધરસ અને ભારે તાવ હોવા છતાં ધબકારા ધીમા થવાનો સમાવેશ થાય છે.  જેમ જેમ રોગ વધે છે તેમ તેમ છાતી અને પેટ પર નાના ગુલાબી ફોલ્લીઓ દેખાઈ શકે છે, પેટ ફૂલી શકે છે અને નબળાઈ વધુ ખરાબ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીઓ મૂંઝવણ, બેભાનતા, રક્તસ્ત્રાવ અથવા આંતરડામાં છિદ્રનો અનુભવ કરી શકે છે, જેને તબીબી કટોકટી ગણવામાં આવે છે.  જો કોઈને 3 થી 4 દિવસથી વધુ સમય સુધી ખૂબ તાવ રહે અને પેટમાં દુખાવો હોય તો તેણે ટાઇફોઇડ માટે પરીક્ષણ કરાવવું જોઈએ.

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગર ખાતે આવતીકાલે ‘શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાશે
calendar_today January 5, 2026

Gandhinagar News : ગાંધીનગર ખાતે આવતીકાલે ‘શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાશે

આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી અને પશુપાલન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહીને વિજેતાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરશે. આધુનિક ટેકનોલોજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓના સંગમ દ્વારા જે પશુપાલકોએ દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કર્યા છે. પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પશુપાલકોને પુરસ્કાર અપાશે તેમને આ મંચ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર પશુપાલકોને એવોર્ડની સાથે-સાથે પ્રોત્સાહન માટે ક્રમશ: રૂ. ૧,૦૦,૦૦૦, રૂ. ૫૧,૦૦૦ અને રૂ. ૩૧,૦૦૦ની પ્રોત્સાહક રાશિ પણ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પશુપાલકોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. પશુપાલકોને પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૂ. ૨૫,૦૦૦ અને દ્વિતીય ક્રમે આવનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે. તેવી જ રીતે, તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ અને દ્વિતીય ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૧૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે. આમ, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત આવતીકાલે રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા કુલ ૩, જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૬૬ અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૪૯૬ પશુપાલકો મળી સમગ્ર રાજ્યના કુલ ૫૬૫ પશુપાલકોને કુલ રૂ. ૯૧,૦૦,૦૦૦થી વધુની પ્રોત્સાહક રાશિ એનાયત કરવામાં આવશે. આ પણ વાંચો : Rajkot News : વિંછીયા સહિત સૌરાષ્ટ્રભરમાં ધોળા દિવસે ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ 

Read Full Story arrow_forward
Surat: સુરતમાં 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો, લોકોમાં ભારે રોષ
calendar_today January 5, 2026

Surat: સુરતમાં 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો, લોકોમાં ભારે રોષ

માસૂમ દીકરીઓ પર વધતા અત્યાચાર વચ્ચે સુરતમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ અરવિંદ તરીકે થઈ છે.બે સંતાનોનો પિતા છે આરોપી આરોપી અરવિંદે સગીરાને લગ્નની લાલચ આપી અને ખોટા પ્રેમનો દેખાડો કરીને તેનું અપહરણ કર્યું હતું.અપહરણ બાદ તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.આરોપી અરવિંદ પોતે પરણેલો છે અને બે સંતાનોનો પિતા હોવા છતાં, તેણે પોતાની અસલી ઓળખ છુપાવીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો આ ઘટનાની જાણ થતા જ પાટીદાર સમાજ સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. લોકોના દબાણ અને મામલાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હાલમાં પોલીસે આરોપી અરવિંદની ધરપકડ કરી લીધી છે અને તેની સામે અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અને સોશિયલ મીડિયા કે અજાણ્યા લોકો સાથેના સંપર્ક બાબતે વાલીઓને જાગૃત રહેવાની ચેતવણી આપી છે. આ પણ વાંચોઃ Mehsana: મહેસાણામાં સ્વચ્છતાના ધજાગરા, પીવાના પાણીના સંપ પાસે જ ગટરનું સ્ટેશન બનાવતા વિવાદ

Read Full Story arrow_forward