calendar_today
January 5, 2026
Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહ યોજાયો, 40,245 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા
તેમણે સ્વામી વિવેકાનંદના 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'ના સૂત્રને યાદ અપાવીને કહ્યું કે, આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. બુદ્ધિપૂર્વક અને ખંતથી કરવામાં આવેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી. કુલાધિપતિ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં ૪૦,૨૪૫ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
'કોફી ટેબલ બુક'નું વિમોચન કરવામાં આવ્યું
આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા ખાસ તૈયાર કરાયેલ 'કોફી ટેબલ બુક'નું વિમોચન કરવામાં આવ્યું અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બે સ્ટાર્ટઅપ અને એક ખેલાડીને 'ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહ એ માત્ર પદવી મેળવવાનો દિવસ નથી, પરંતુ ગુરુ, શિષ્ય અને વાલીના ત્રિવેણી સંગમનો પવિત્ર ઉત્સવ છે. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો 'માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ'ને જીવનમાં આત્મસાત કરવા આહ્વાન કર્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓએ આ ધરતી પરથી દેશનું નેતૃત્વ કર્યું છે
રાજ્યપાલે ઉમેર્યું હતું કે, જે માતા-પિતા પોતે અભાવો વેઠીને પણ સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવે છે, તેમના પ્રત્યે આદર અને સમર્પણનો ભાવ એ જ સાચી દીક્ષા છે. રાજ્યપાલે ગુજરાતની ભૂમિની વિશેષતા વર્ણવતા કહ્યું હતું કે, આ ધરતીએ હંમેશાં રાષ્ટ્રની ઉન્નતિમાં યોગદાન આપનાર મહાન પ્રતિભાઓ આપી છે. સ્વામી દયાનંદ સરસ્વતી, નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓએ આ ધરતી પરથી દેશનું નેતૃત્વ કર્યું છે. આજે એ જ પરંપરાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ ધપાવી રહ્યા છે, જેમણે દેશને આશા અને પ્રગતિના નવા શિખરો પર પહોંચાડ્યો છે. યુવાનો નસીબદાર છે કે તેઓ એવા સમયમાં કાર્યક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે.
ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે
રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશન ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને મક્કમ નિર્ધારનું પરિણામ છે, જેમાંથી યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ. વર્તમાન સમયની સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુવા પેઢીને ચેતવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતી અને જંક ફૂડને કારણે ગંભીર બીમારીઓ વધી રહી છે. ૨૦-૨૦ વર્ષના યુવાનોમાં હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગો જોવા મળે છે તે દેશ માટે ચિંતાનો વિષય છે. તેમણે વિદ્યાર્થીઓને શુદ્ધ આહાર અને 'પ્રાકૃતિક ખેતી'ના અભિયાનમાં જોડાઈને સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે જો યુવાનો સ્વસ્થ રહેશે, તો જ તેઓ રાષ્ટ્રના ઉત્થાનમાં લાંબા ગાળા સુધી યોગદાન આપી શકશે.
વિધાર્થીઓને 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવા અનુરોધ
પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક અસરોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજે દુનિયા આબોહવા પરિવર્તનના ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે પદવી મેળવીને સમાજમાં જઈ રહેલા જવાબદાર યુવાનોની ફરજ છે કે તેઓ પર્યાવરણના રક્ષણ માટે સક્રિય બને. શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ સમાજની સમસ્યાઓના ઉકેલ લાવવાની શક્તિ છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર 'નોકરી શોધનારા' બનવાને બદલે 'નોકરી આપનારા' એટલે કે ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલે તમામ સુવર્ણચંદ્રક વિજેતાઓ અને પદવીધારક વિદ્યાર્થીઓને ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ચંદ્રયાન અને માર્સ મિશન જેવી સફળતાઓ દેશે મેળવી
દીક્ષાંત સમારોહમાં ઇસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી જ્ઞાનનું એવું પવિત્ર ધામ છે જેણે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈ જેવાં દિગ્ગજ રત્નો આપ્યાં છે. તેમણે આઝાદી પછી ભારતની વિકાસયાત્રાનો ચિતાર આપતા કહ્યું કે, જે દેશ ક્યારેક સાયકલ અને બળદગાડા પર રોકેટ-સેટેલાઈટ લઈ જતો હતો, આજે તે વિશ્વમાં અનેક ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ચંદ્રયાન અને માર્સ મિશન જેવી સફળતાઓ સાબિત કરે છે કે ભારતની શિક્ષણ પ્રણાલી અને પ્રતિભા વિશ્વમાં કોઈથી ઉતરતી નથી. વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટે નૈતિક ચરિત્ર અને સખત મહેનતનો મંત્ર આપતા કહ્યું કે, તમારી આ પદવી પાછળ માત્ર તમારી મહેનત જ નહીં, પરંતુ તમારાં માતા-પિતા, શિક્ષકો અને સંસ્થાના નાનામાં નાના કર્મચારીનું પણ યોગદાન છે, જેમને હંમેશાં યાદ રાખવા જોઈએ.
વિદ્યાર્થીઓ પોતાનાં કાર્યો થકી ઇતિહાસમાં નામ નોંધાવે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી
તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વર્ષ ૨૦૪૦ સુધીમાં ભારત અવકાશ વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં વિશ્વના વિકસિત દેશોની હરોળમાં હશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં આજના યુવા સ્નાતકો મહત્વની ભૂમિકા ભજવશે. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ પદવી મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શિક્ષણમાં યુનિવર્સિટીની સ્નાતક પદવી પ્રાપ્ત કરવી એ જીવનનો એક મહત્ત્વનો પડાવ છે. તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, પદવી માત્ર રોજી-રોટીનું સાધન ન બની રહેતા પરિવાર અને રાષ્ટ્રના ઉત્થાન માટેનું મહત્ત્વનું કદમ બની રહેવી જોઈએ. પોતે પણ આ જ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું ગૌરવ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, જે રીતે પૂર્વજોએ ભારતમાતાને ગૌરવ અપાવ્યું છે, તે પરંપરાને આગળ વધારવાની જવાબદારી હવે યુવા પેઢીની છે. આ પ્રસંગે તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ચલાવવામાં આવતા 'પ્રાકૃતિક ખેતી'ના અભિયાનને આવતી પેઢી માટે આશીર્વાદરૂપ ગણાવી બિરદાવ્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાનાં કાર્યો થકી ઇતિહાસમાં નામ નોંધાવે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા
તેમણે પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને સમાજના વિકાસમાં સતત પોતાનું યોગદાન આપીને સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. રજિસ્ટ્રાર ડૉ. પીયૂષ પટેલે વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને એનાયત થનાર પદવી/ડિપ્લોમા પ્રમાણપત્રો તથા મેડલ અને શિષ્યવૃતિની વિગતો આપી હતી. રજિસ્ટ્રારશ્રી દ્વારા પદવી અને ડિપ્લોમાની જાહેરાત બાદ, તમામ સ્નાતકોને દીક્ષાંત આપવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે યોજાયેલા ૭૪માં વાર્ષિક પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આઈ.આઈ.એમ. (IIM) અમદાવાદના ડાયરેક્ટર પ્રો. ભરત ભાસ્કર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય મનન દાણી, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાચાર્યો, પ્રાધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર ખાતે આવતીકાલે ‘શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાશે
Read Full Story
arrow_forward