Himatnagar : હિંમતનગર રેલવે સ્ટેશન પર સફાઈનો અભાવ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત ભારત રેલવે સ્ટેશનનો દરજ્જો મળ્યો હોવા છતાં રેલવેના અધિકારીઓ તથા ઇજારદારોના પાપે રેલવે સ્ટેશન પર નિયમિત સફાઇ કામ થતુ નથી. જેથી ટ્રેનમાં મુસાફરી કરવા આવતા મુસાફરોને કમને આવી ગંદકી નજીક બેસવું પડે છે. એટલુ જ નહીં પણ શૌચાલયો અને ગટરો ઉભરાઇ રહી છે. સાથો સાથ ઇન્ટરનેટ પણ સમયસર કામ કરતુ નથી. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રેલવે તંત્ર દ્વારા હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત ભારત યોજના હેઠળ આવરી લેવાયા બાદ અહીં નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ગમે તે કારણસર રેલવે સ્ટેશન પર નિયમિત સફાઇ કામ થતુ નથી. જેના લીધે જયાં જુઓ ત્યાં ગંદકીના ઢગ ખડકાઇ ગયા છે. સ્વચ્છતા માટે મુકવામાં આવેલ ડસ્ટબીનનો કચરો પણ સફાઇ કામદારો દ્વારા નિકાલ કરવામાં આવતો નથી. જયારે કોઇ અધિકારી કે મંત્રી અથવા રાજકારણી મુલાકાતે આવે ત્યારે અહીં સફાઇ કામ અગાઉથી કરી દેવામાં આવે છે. પરંતુ નિયમિત સફાઇ કામ થતુ નથી. એટલુ જ નહી પણ છેલ્લા કેટલાક સમયથી રેલવે સ્ટેશન પર તંત્ર દ્વારા લગાવેલ કોચ ઇન્ડિકેટરના કોઇ ઠેકાણા નથી. જેથી રિઝર્વેશન કરાવનાર મુસાફરોને જયારે ટ્રેન આવે ત્યારે કોચ શોધવા માટે દોડાદોડ કરવી પડે છે. અહીં ફરજ પરના રેલવે બાબુઓ આ બધુ જોતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોવાની છાપ ઉપસી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગર રેલવે સ્ટેશન પર થઇને રોજબરોજ વંદે ભારત ટ્રેન અવર જવર કરે છે. ત્યારે સફાઇનો અભાવ ખુબજ સુચક છે. એટલુ જ નહીં પણ દિવસે અને રાત્રે લાંબા અંતરની ટ્રેનો હિંમતનગર રેલવે સ્ટેશન પરથી પસાર થતી હોવા છતાં કોણ જાણે કેમ રેલવે સ્ટેશન પર સફાઇ કામ થતુ નથી. જે અંગે સત્વરે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને જરૂર પડે બેકાળજી દાખવનારાઓ સામે સખ્ત કાર્યવાહી કરવી જોઇએ તેવું મુસાફર વર્ગનું માનવું છે. તો બીજી તરફ સુત્રોના જણાવ્યા મુજબ હિંમતનગર રેલવે સ્ટેશન પર સફાઇનું ટેન્ડર પ્રસિધ્ધ થયું નથી. તો પછી પ્રશ્ન એ થાય છે કે અત્યાર સુધી અધિકારીઓ કોની પાસે સફાઇ કામગીરી કરાવતા હતા તેની વિગતો જાહેર થવી જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward