Godhra: ભાનપુરા - ગોધરા ઇન્ટરચેન્જ માર્ગ પર અકસ્માતો વધતા ચિંતાની સ્થિતિ
દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ-વેના પેકેજ નંબર 27 અને 28 હેઠળ લીમખેડાના ભાનપુરાથી ગોધરા ઇન્ટરચેન્જ વચ્ચે બનાવવામાં આવેલા માર્ગનો અનધિકૃત રીતે વાહનવ્યવહાર માટે ઉપયોગ શરૂ થયા બાદ હવે માર્ગની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.ગોધરા ઇન્ટરચેન્જ તરફ્ના માર્ગ પર માર્ગની વચ્ચે આડાશરૂપે મૂકાયેલા સ્લીપરને કારણે વાહનો અથડાતા અકસ્માત સર્જાય છે. હાઇવેનું કામ હજી પૂર્ણ થયું નથી અને માર્ગ સત્તાવાર રીતે શરૂ થયો નથી તેવા સંજોગોમાં રસ્તા પર વિવિધ સ્થળોએ બાંધકામ, રિપેરિંગ અથવા ડાયવર્ઝન સંબંધિત આડશો હોવાની શક્યતા રહે છે. આવા સ્થળોએ વાહનચાલકોને અગાઉથી સાવચેત કરવા માટે યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટર અને દિશાસૂચક સૂચનાઓ જરૂરી બની જાય છે. જેથી સંબંધિત તંત્ર અને માર્ગ નિર્માણ કરતી એજન્સી દ્વારા પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં માર્ગ પર જરૂરી સુરક્ષા પગલાં લેવા માંગ ઉઠી રહી છે. તેમજ જ્યાં સુધી કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવા અથવા જોખમી સ્થળોએ મૂકાયેલી આડશો દૂર કરી યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટર અને ચેતવણીના બોર્ડ લગાવવા જરૂરી છે. સાથે જ વાહનચાલકોએ પણ આ માર્ગ સત્તાવાર રીતે શરૂ ન થયો હોવાની હકીકત ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી ઝડપે વાહન ચલાવવા અનુરોધ કરાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward