Viral Video: Nepalનું એ લીલું મકાન અડીખમ રહેવાનું શું હતું રહસ્ય? જાણો ઘર બચી જવાનું સાચું કારણ
નેપાળમાં વિનાશક પૂર દરમિયાન ચારે તરફ તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા, પરંતુ આ દરમિયાન એક લીલા રંગનું મકાન અને તેની અંદરના લોકો સુરક્ષિત રીતે બચી ગયા અને આ આશ્ચર્યજનક ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. પરંતુ આખરે આવું કેમ થયું? હવે આ ઘટના વિશેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ ઘર બચી જવાનું કારણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ભીષણ પૂરના પાણીના વહેણમાં રસ્તા આવતા દરેક રસ્તા, ઇમારતો, વૃક્ષો સઘળું ઝપેટમાં આવી ગયું, પણ આ બધાની વચ્ચે અડીખમ ઉભું રહેલું એક લીલા રંગનું ઘર કે જેની કાંકરી પણ ખરી નહી. ઘટનાના વીડિયોએ દુનિયાભરના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. હવે સવાલ એ છે કે આસપાસના અનેક ઘરો પાણીના તેજ પ્રવાહ અને કાટમાળની ઝપેટમાં આવીને તૂટી ગયા, તો આ ઘર આખરે કેવી રીતે બચી ગયું? ચમત્કાર કે ઉત્તમ કક્ષાનું બાંધકામ?‘આર્કિટેક્ચર પ્રેઝન્ટેશન’ X પરનું એક એકાઉન્ટ છે, જે મુખ્યત્વે આર્કિટેક્ચર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને ઈમારતોની ડિઝાઈન તથા સ્ટ્રક્ચર સાથે જોડાયેલી બનાવટની સમજૂતીની માહિતીઓ શેર કરે છે. આ એકાઉન્ટ દ્વારા હવે આ ઘર વિશેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. ‘આર્કિટેક્ચર પ્રેઝન્ટેશન’ નામના X હેન્ડલના વીડિયોના આધારે માનવામાં આવી રહ્યું છે કે આ ઘર બચવા પાછળ માત્ર નસીબ જ નહીં, પરંતુ તેની બનાવટ અને બાંધકામની જગ્યાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આસપાસના ઘરો કેમ ધરાશાયી થયા?વીડિયો અનુસાર, સરળ ભાષામાં સમજીએ તો પૂરનું પાણી માત્ર પાણી નહોતું. તેની સાથે કાદવ, ભારે પથ્થરો, વૃક્ષો અને ઘરોનો કાટમાળ પણ વહી રહ્યો હતો. તેજ ગતિથી આવતી આ તમામ વસ્તુઓ ઘરોની દીવાલો સાથે સતત અથડાઈ રહી હતી. નેપાળના પહાડી વિસ્તારોમાં અનેક ઘરો પથ્થરની દીવાલોથી બનેલા હોય છે. આવી દીવાલો ઉપરથી આવતા વજનને સહન કરી શકે છે, પરંતુ જો બાજુથી પાણીનો તેજ પ્રવાહ અને ભારે કાટમાળ સતત ધક્કો મારે તો તે નબળા પડી શકે છે. આ જ કારણ છે કે વીડિયોમાં અનેક ઘરો પહેલા ધ્રૂજતા જોવા મળ્યા અને ત્યારબાદ અચાનક ધરાશાયી થઈ ગયા.તો પછી આ લીલા ઘરમાં શું અલગ હતું?આ ઘર RCC એટલે કે Reinforced Concrete Frame પર બનાવવામાં આવ્યું હતું. સરળ ભાષામાં કહીએ તો ઘરની અંદર મજબૂત કોલમ અને બીમનું માળખું હતું, જેમાં લોખંડની સળિયા પણ લગાવવામાં આવ્યા હતા. આ માળખું ઘરને એક મજબૂત ‘હાડપિંજર’ જેવું બનાવે છે. જ્યારે બહારથી પાણીના તેજ પ્રવાહ અને કાટમાળના ઘરને ધક્કા વાગતા હતા ત્યારે સમગ્ર દબાણ માત્ર દીવાલો પર આવ્યું નહોતું. કોલમ અને બીમે આ દબાણને સમગ્ર માળખામાં વહેંચવામાં મદદ કરી હતી. આ કારણે ઘરનું મુખ્ય માળખું તરત તૂટ્યું નહીં.માત્ર મજબૂત બનાવટ જ નહીં, ઘરની જગ્યા પણ મહત્વની હતીવીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ઘર બચવાનું એક મોટું કારણ તેની બાંધકામની જગ્યા પણ હોઈ શકે છે. આ મકાન પૂર અને કાટમાળના સૌથી ઝડપી મુખ્ય પ્રવાહની બરાબર વચ્ચે નહોતું. એટલે પાણી અને કાટમાળની સૌથી વધુ તાકાત સીધી આ ઘર સાથે અથડાઈ નહોતી. પ્રવાહનો થડકારો તો અનુભવાયો હશે પરંતુ તે સીધી રીતે ન અથડાતા બાજુમાં જ અથડાતો રહ્યો.ઉદાહરણ તરીકે જો નદીમાં એક મોટો પથ્થર પડેલો હોય, અને પાણીના તેજ પ્રવાહની થપાટ તેને વાગતી હોય. પરંતુ જો પાણી પથ્થર સાથે સીધું પૂરી તાકાતથી અથડાતું ન હોય તો પાણી તેની બંને બાજુથી પસાર થઈ જાય છે. આ ઘરની સાથે પણ આવું જ થયું હોઈ શકે છે.કાદવ જ બની ગયો ઘરની ઢાલ?કેટલાક અહેવાલોમાં બીજી એક રસપ્રદ વાત પણ સામે આવી છે. ઘરની આસપાસ એકઠો થયેલો કાદવ અને કાટમાળ આ ઘર માટે એક પ્રકારની ઢાલ સમાન બની ગયા. શરૂઆતમાં પાણી સાથે જે કાટમાળ ખેંચાઇને આવ્યો હતો તે ઘરની આસપાસ એકઠો થઈ ગયો. અને એ પછી પાણીના પ્રવાહની દિશા અમુક અંશે ફેરફાર થયો. એટલે એકઠા થયેલા કાટમાળેઘર સુધી સીધા પહોંચતા તેજ પ્રવાહને ઓછો કરવામાં મદદ કરી.વીડિયો જોઈને તેને ચમત્કાર કહેવું સરળ છે, પરંતુ તેની પાછળ એન્જિનિયરિંગની પણ મોટી ભૂમિકા હોઈ શકે છે. ઘરની મજબૂત RCC બનાવટ, લોખંડ અને કોંક્રિટથી બનેલું માળખું, ઘરના બાંધકામની જગ્યા અને પાણીનો પ્રવાહ બંને બાજુથી પસાર થઈ જવો, આ તમામ બાબતોએ મળીને આ ઘરને બચાવવામાં મદદ કરી હોઈ શકે છે.જોકે, પૂરની ભયાવહ સ્થિતિમાં માત્ર એક જ કારણ નક્કી કરતું નથી કે કયું ઘર બચશે અને કયું ધરાશાયી થશે. પાણીની ગતિ, પ્રવાહની દિશા, જમીનનું ધોવાણ, પાયાની મજબૂતી, ઘરની બનાવટ અને આસપાસ એકઠો થયેલો કાટમાળ, દરેકની ભૂમિકા હોય છે.પરંતુ આ વાયરલ વીડિયોએ એક વાત ચોક્કસ સમજાવી છે કે નેપાળના વિનાશક પૂરમાં લીલું મકાન માત્ર કોઇ ચમત્કાર કે નસીબને કારણે ઊભું નહોતું. તે યોગ્ય એન્જિનિયરિંગ, યોગ્ય જગા અને પરિસ્થિતિઓના એક દુર્લભ મેળને કારણે બચી ગયું.
Read Full Story arrow_forward