Surendranagar: ધ્રાંગધ્રાના વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષમાં બેંકમાં લોન હોવા છતાં દુકાનો વેચી
ધ્રાંગધ્રાની જુની શાકમાર્કેટ પાસે વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષના પાંચ દુકાનદારની દુકાનો પર લોન હોવા છતાં તેનું વેચાણ કરી કૌભાંડ આચરાયુ હતુ. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે દુકાનદારોએ બે મહિલા સહિત કુલ પાંચ શખ્સો સામે રૂ. 83.72 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ધ્રાંગધ્રાની નાની બજારમાં રહેતા સલમાબેન જહીરભાઈ માયક જુની શાક માર્કેટ પાસે આવેલ વીશાલ ચેમ્બરમાં લેડીઝ વેર કપડાનો વેપાર કરે છે. કોમ્પલેક્ષમાં 9 અને 10 નંબરની દુકાન તેઓએ વર્ષ 2021માં રાજેશ મણીલાલ પુજારા પાસેથી રૂપીયા 12,21,000ના ગીરો પેટે લીધી હતી. વર્ષ 2024માં સોલડીના ભરત મેવાડાએ આવી વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષ અમોએ વેચાણથી રાખી લીધુ છે તેમ કહી સલમાબેનને દુકાન ખાલી કરવા કહ્યુ હતુ. જેમાં સલમાબેને દુકાન ખાલી કરવાની ના પાડી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે બેઠક થતા આ બન્ને દુકાન સામે ભરત મેવાડા 4 નંબરની દુકાન આપે અને તેના બદલામાં સલમાબેનને રૂપીયા 8.50 ચુકવવાનું નક્કી થયુ હતુ. જયારે ભરત મેવાડાએ તેના ભાઈના પત્ની પુનીબેન રમેશભાઈ મેવાડાના નામથી આ દુકાનનો દસ્તાવેજ સલમાબેનને કરી આપ્યો હતો. જેમાં કટકે કટકે રૂપીયા 8.50 લાખ સલમાબેને આપી દીધા હતા. દસ્તાવેજ સમયે આ દુકાન લોન મુકત, બોજા મુકત હોવાનું પણ જણાવાયુ હતુ. ત્યારે 6 માસ પહેલા કેનરા બેંકના કર્મીઓએ આવી આ દુકાન પર પુનીબેને લોન લીધી છે તેમ કહી દુકાન ખાલી કરવાનું સલમાબેનને કહ્યુ હતુ. સલમાબેને આ અંગે ભરત મેવાડાને વાત કરતા તેઓએ તમને તમારા રૂપીયા મળી જશે તેમ કહી ખાત્રી આપી હતી. તેમ છતાં 8-1-26ના રોજ બેંકના કર્મીઓ આવી દુકાને નોટીસ ચોટાડી ગયા હતા. અને 1-2-26ના રોજ સીલ મારવાનું કહી ગયા હતા. બીજી તરફ સલમાબેન ઉપરાંત અન્ય સાહેદોની સાથે પણ આવી જ છેતરપિંડી થઈ હતી. જેમાં અનીરૂધ્ધસિંહ ઉર્ફે અજયસિંહ લાલુભા રાણાની દુકાનનો 11 લાખમાં, રીટાબેન સુરેશભાઈ રાવલની દુકાનનો 7.50 લાખમાં વેચનાર તરીકે સીધ્ધરાજસિંહ દીલીપસિંહ ઝાલાએ દસ્તાવેજ કરી દીધો હતો. જયારે સંકેત કાળીદાસભાઈ પરમારની દુકાનનો 35 લાખમાં હરપાલસિંહ દિલુભા વાઘેલાએ, વિપુલ ગુણવંતરાય ભટ્ટની દુકાનનો 9.51 લાખમાં જીતુબેન ભરતકુમાર મેવાડાએ દસ્તાવેજ કરી દીધો હતો. આથી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ભરત મેવાડા, સીધ્ધરાજસિંહ દીલીપસિંહ ઝાલા, હરપાલસિંહ દિલુભા વાઘેલા, જીતુબેન ભરભાઈ મેવાડા અને પુનીબેન રમેશભાઈ મેવાડા સામે સલમાબેન અને સાહેદા સાથે 83.72 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એ. કે. વાઘેલા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward