Anand: ભાલેજની દરગાહમાંથી તસ્કરો સોનાના ગુંબજ, મિનારા ચોરી જતાં ચકચાર મચી
આણંદ જિલ્લાના ભાલેજ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ભાલેજ રેલવે સ્ટેશનની તદ્દન નજીક આવેલી અને શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર સમાન મલંગબાવા અસ્તાના-એ-હુશેન દરગાહને તસ્કરોએ નિશાન બનાવી છે. તસ્કરોએ દરગાહમાંથી મોંઘી કિંમતના સોનાના ગુંબજ અને મિનારાની ચોરી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આસ્થાની લાગણી દુભાઈ હતી. લોકોએ આ ચોરને પકડી કડક સજા કરવાની માગ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના સુમારે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે દરગાહમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દરગાહની બારી તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો. પવિત્ર સ્થાનની ગરિમાને નેવે મૂકીને, ચોરોએ અંદર રહેલા કિંમતી સોનાના ગુંબજ અને મિનારાની તોડફેડ કરી તેને ચોરી લીધા હતા. લાખોની કિંમત ધરાવતા આ સોનાના આભૂષણો અને અન્ય સામાનની ઉઠાંતરી કરીને તસ્કરો પળવારમાં ફરાર થઈ ગયા હતા. સદનસીબે, દરગાહ પરિસરમાં સુરક્ષાના ભાગરૂપે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચાલુ હતા. આ સમગ્ર ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો કઈ રીતે બારી તોડીને અંદર ઘૂસ્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. પોલીસ માટે આ ફૂટેજ ખૂબ જ મહત્વનો પુરાવો સાબિત થઈ રહ્યો છે.ઘટનાની જાણ થતાં જ ભાલેજ પોલીસ સ્ટેશનનો કાફ્લો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની સાથે સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, જેથી આરોપીઓને વહેલી તકે ઝડપી શકાય.પોલીસે તપાસને વેગવંતી બનાવવા માટે ફેરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ડોગ સ્વકોડની પણ મદદ લીધી છે. હાલમાં પોલીસ મળેલા ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમનું પગેરું દબાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધાર્મિક સ્થળ પર થયેલી આ ચોરીને કારણે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward