android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Opinion:પતંગ ચગાવવા જેમ પવનરૂપી નસીબ જોઈએ એમ જીવનમાં ગુરુ જોઈએ
calendar_today January 14, 2026

Opinion:પતંગ ચગાવવા જેમ પવનરૂપી નસીબ જોઈએ એમ જીવનમાં ગુરુ જોઈએ

ઉત્તરાયણ આવે એટલે આકાશમાં પતંગ ચગે તેની સાથે સોશિયલ મીડિયામાં પણ મોટિવેશનલ મેસેજનો મારો શરૂ થઈ જાય છે. કેટલા લોકો આ મેસેજ વાંચતાં હશે એ એક સવાલ છે. પરંતુ તેને આગળ જરૂર મોકલે છે. મોટાભાગના લોકો વાંચ્યા વગર જ આગળ ધકેલે છે. એમાં પણ હોડ લાગે છે. ખેર આજે વાત કરવી છે આ પર્વની. આપણે આમ પણ ઉત્સવપ્રિય લોકો છીએ. ગમે તે તહેવાર હોય તેને ઉજવી નાંખીએ છીએ. એમાં ધર્મ પણ આડે આવતો નથી.પતંગ ચગાવવા જેમ પવન જોઈએ તેમ જીવનમાં પણ કોઈ ગુરુ જોઈએ. અહીં આજકાલ માધ્યમોમાં આવતાં ગુરુઓની વાત નથી. ગુરુ એટલે માર્ગદર્શક. પછી તે માતા કે પિતા કે ભાઈ કે બહેન કે સાથી કર્મચારી કે મિત્ર પણ હોય. બહુ ઓછા લોકોને સાચાં અર્થમાં ગુરુ મળે છે. અગાઉ કહ્યું તેમ પતંગ ચગાવવા નસીબ જોઈએ તેવું જ આમાં છે. પતંગ સાલા પવનને કારણે આકાશમાં સારી રીતે ચગી ગયો તો તમે રાજા. પછી તમારી સ્કિલ છે કે જે તમારા પતંગને ઉડતો રાખે છે. તમે બીજાના પતંગ કાપીને માથું ઊંચુ રાખો છો. જીવનમાં પણ તમને જો કોઇ સારો માર્ગદર્શક મળી જાય અને તમારી પ્રગતિ થાય તો તમે સમાજમાં ટટ્ટાર થઈને ફરો છો. તમે જે વ્યવસાય કે ધંધામાં હો તે આખરે તો તમારે જ ચલાવવાનો છે. યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો તમે રાજા. પછી વાત આવે છે પતંગની જેમ ટકી રહેવાની. ઘણાં પતંગબાજો પોતાની સ્કિલથી લાંબો સમય આકાશમાં ઉડતા રહે છે. ઘણા લોકો તેમને કાપવાની પ્રયાસ કદે છે પણ તેમનું સ્થાન એવું થઈ ગયું હોય છે કે તેમને કોઇ કાપી શકતું નથી. જીવનમાં આપણે જોઈશું કે એકવાર વ્યક્તિને યોગ્ય લાઈન મળી જાય તો ગમે તેટલી હરીફાઇ કે અડચણો તેમને ડગાવી શકતી નથી. વિદ્યાર્થી જીવનને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન જ મળતું નથી. મા-બાપ તો પોતાની એષણા તેમના પર થોપે છે અથવા તો પાડોશીની ઈર્ષ્યા થોપે છે. બાળકને શું કરવું છે તે કોઇ પૂછતું નથી. એટલે જ તેમને મિત્રો વધુ ગમે છે. પરંતુ આ મિત્રો પાસે જીવનનો અનુભવ હોતો નથી એટલે સાચી દિશાનું સ્થાન મળતું નથી.ઉત્તરાયણનો તહેવાર માત્ર આકાશમાં પતંગ ચગાવવાનો લ્હાવો નથી, પરંતુ તે જીવન જીવવાની એક અનોખી કળા પણ શીખવે છે. પતંગ અને માનવ જીવન વચ્ચે ઊંડી અને અર્થસભર સામ્યતા રહેલી છે. જો આપણે ધ્યાનથી વિચારીએ, તો પતંગના દરેક પેચમાં જીવનનો એક પાઠ છુપાયેલો છે. જેમ પતંગને આકાશમાં ઊંચે લઈ જવા માટે પવનની દિશા અને યોગ્ય ખેંચની જરૂર પડે છે, તેમ જીવનમાં પ્રગતિ કરવા માટે સ્પષ્ટ લક્ષ્ય અને મહેનતની જરૂર હોય છે. પતંગ જેટલી ઊંચી જાય, તેટલો જ તેનો પવન સામેનો સંઘર્ષ વધે છે. જીવનમાં પણ જેમ જેમ આપણે સફ્ળતાના શિખરો સર કરીએ છીએ, તેમ તેમ જવાબદારીઓ અને પડકારો પણ વધતા જાય છે. પતંગ ચગાવવા માટે 'કન્ના' યોગ્ય રીતે બાંધેલા હોવા જરૂરી છે. જો પતંગનું સંતુલન બગડે તો તે ગોથાં ખાવા લાગે છે. તેવી જ રીતે, જીવનમાં પણ બુદ્ધિ અને ભાવનાઓ વચ્ચે સંતુલન હોવું અત્યંત જરૂરી છે. જો સંયમ અને સમજણનું બેલેન્સ ખોરવાય, તો જીવનની પતંગ પણ ડગમગવા લાગે છે. પતંગ ગમે તેટલી ઊંચી હોય, પણ તેની લગામ જમીન પર રહેલા વ્યક્તિના હાથમાં હોય છે. જીવનમાં આ દોર એટલે આપણા સંસ્કાર અને સંબંધો. આપણે ગમે તેટલા સફ્ળ થઈએ, પણ જો આપણા મૂળિયાં (પરિવાર અને મૂલ્યો) સાથે જોડાયેલા રહીશું, તો જ આપણે સુરક્ષિત રીતે ઊડી શકીશું. જ્યારે વ્યક્તિ અહંકારમાં આવીને આ દોર કાપી નાખે છે, ત્યારે તેનું પતન નિશ્ચિત હોય છે. આકાશમાં પતંગ કપાય ત્યારે 'કાપ્યો છે' ના નાદ સંભળાય છે. પતંગ કપાવવી એ અંત નથી, પણ ફરી નવી આશા સાથે નવી પતંગ ચગાવવાની શરૂઆત છે. જીવનમાં પણ નિષ્ફ્ળતાથી ડરવાને બદલે, પતંગબાજની જેમ ખેલદિલી રાખીને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. પતંગ આપણને શીખવે છે કે આકાશમાં ઊંચે ઊડવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, પવનની સાથે નહીં. જીવનમાં મુશ્કેલીઓ આપણને નીચે પાડવા માટે નહીં, પણ વધુ ઊંચાઈ પર લઈ જવા માટે આવતી હોય છે. બસ, આપણી મહેનતની દોર મજબૂત હોવી જોઈએ. હકીકતમાં તો પતંગની જેમ જ જીવન પણ એક સ્કિલનું કામ છે. પવન ના હોય અને પતંગને અવકાશમાં લઈ જવો એ ખાવાનો ખેલ નથી. એવી જ રીતે જીવનમાં અનેક અડચણ આવે, મુશ્કેલીઓ આવે પણ તેમાંથી બહાર તો વ્યક્તિએ પોતે જ આવવાનું છે. પવન ના હોય અને અવકાશમાં પતંગ લઈ જવા જે રીતે સ્કિલનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે અહીં પણ દરેકે આ અડચણમાંથી બહાર નીકળવાનું હોય છે. કોઈ પણ વ્યકિત માટે એના માબાપથી વિશેષ કોઈ ગુરુ હોઈ શકે નહીં. શિક્ષક કે સીનિયર એક હદ સુધી મદદ કરી શકે. ગુરુ આધ્યાત્મિક માર્ગ બતાવી શકે. આજકાલ મોટિવેશનલ સ્પીકરનો રાફ્ડો ફટયો છે. પોડક્સ્ટ પણ મોટા પ્રમાણમાં થાય છે. એમાં દરેક વ્યકિત પોતાના સંઘર્ષની વાત કરે છે. કદાચ બઢાવી ચઢાવીને પણ કરતા હશે પરંતુ એમાંથી શીખવાનો અભિગમ રાખીએ તો કદાચ આપણને પણ મદદરૂપ બની શકે. આ દરેક મોટિવેશનલ સ્પીકર જે વાત કરે છે અથવા કોઈ પણ રમતના કોચ ખેલાડીને જે માર્ગદર્શન આપે છે એ પુસ્તકિયા જ્ઞાન જેવું હોય છે. છેવટે રમત તો જે તે ખેલાડીએ જ રમવાની હોય છે. માટે જ માતા પિતા પર એવો ભાર મૂકવામાં આવે છે કે તેઓ પોતાની અધૂરી વાસના સંતાનો પાસેથી પૂરી કરાવવાના બદલે તેને છૂટો મૂકી માત્ર તેને ગાઈડ કરે. આવું થતું નથી અને થવાનું પણ નથી તો ઉપાય શું? બાળકોમાં વિશ્વાસ મૂકવો જોઈએ. આ પરસ્પર છે. સંતાનોએ પણ એવો વિશ્વાસ આપવો જોઈએ કે તેઓ જે કરે છે તે તેમની મરજીનું તો છે જ સાથે માતા પિતાની પ્રતિષ્ઠાને હાનિકારક નહીં હોય બલ્કે તે ગૌરવ અપાવનારું હશે. બસ આ ઉત્તરાયણે માતા પિતા અને સંતાનો આ વિશ્વાસનો પતંગ ચગાવશે તો જીવનરૂપી આકાશમાં તેઓ હંમેશાં ટોચ પર જ રહેશે.

Read Full Story arrow_forward
Opinion:બ્રિટિશ શાસનનાં ગુજરાતમાં સામાન્ય જીવન વિશે માહિતીસ્રોત
calendar_today January 14, 2026

Opinion:બ્રિટિશ શાસનનાં ગુજરાતમાં સામાન્ય જીવન વિશે માહિતીસ્રોત

1818માં ગુજરાતમાં બ્રિટિશ હકૂમત સ્થપાયા બાદ ગુજરાતનું શાસન અમલદારશાહી દ્વારા કરવાનું હોઈ, ગુજરાતની પ્રજાના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય તથા આર્થિક પાસાં વિશે માહિતી એકત્ર કરવી એ તેમની શાસન-વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ હતું. બ્રિટિશ અમલદારો આ માહિતી મેળવવામાં ઘણી ચીવટ રાખતા અને ચોક્સાઈપૂર્વક એને સંગ્રહી રાખતા, જેથી તત્કાલીન તેમજ ભાવિ નીતિ ઘડવામાં તે કામ લાગે. તેથી હાલના સરકારી અભિલેખાગારમાં સચવાયેલા સંખ્યાબંધ પ્રકાશિત તથા અપ્રકાશિત દસ્તાવેજો અને પત્રવ્યવહાર માત્ર રાજ્ય નીતિવિષયક બાબતો ઉપર જ નહીં, પ્રજાજીવનનાં અનેક મહત્ત્વનાં પાસાં ઉપર પણ પ્રકાશ પાડે છે. એના ઉપયોગ વગર ગુજરાતના ઇતિહાસને સમજવો અને એનું પુનઃમૂલ્યાંકન કરવું લગભગ અશકય છે.19મા સૈકાના સાતમા દાયકામાં અને ત્યારબાદ 'ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી' તરીકે ઓળખાતા અતિ મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા. 1861-62નાં વર્ષથી મુંબઇ સરકાર દર વર્ષે એના વહીવટ અંગેના અહેવાલ 'જનરલ રિપોર્ટ ઓન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ બોમ્બે પ્રેસિડેન્સી' તરીકે પ્રસિદ્ધ કરતી હતી. આ અહેવાલો સમકાલીન રાજકીય પરિસ્થિતિ,વહીવટીતંત્ર, શહેરી તથા ગ્રામ જીવન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેલ-વહીવટ, કેળવણી વિષયક સંસ્થાએ તથા વેપાર-ઉદ્યોગ વિશે માહિતી પૂરી પાડે છે. વડોદરા તથા ભાવનગર જેવાં દેશી રાજ્યો પણ આ પ્રકારના વાર્ષિક અહેવાલો દ્વારા ઉપર્યુક્ત માહિતી આપતાં હતાં. વધુમાં, સરકારી ખાતાના પત્રવ્યવહાર તથા અમલદારોના અહેવાલો પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના છે, તે 'Selections from the Records of the Government of Bombay' ના સ્વરૂપમાં સચવાયા છે. 1852 પછી વ્યવસ્થિત રીતે પ્રકાશિત કરવામાં આવેલા આ સંગ્રહોમાં આપવ।માં આવેલી વિગતો બ્રિટિશ હકૂમત હેઠળના વિસ્તારો તથા દેશી રજવાડાં વિશે સર્વગ્રાહી માહિતી પૂરી પાડે છે અને તે રાજકીય અને સાંસ્કૃતિક જીવનની ઘણી ખરી પ્રવૃત્તિઓ અને સંસ્થાઓને આવરી લે છે. ઉદાહરણ તરીકે, ક્રમાંક 15માં કચ્છ રાજ્ય, તેની ઐતિહાસિક રૂપરેખા, તેનાં નગરો તથા ગામો, નકશા, માંડવી અને ભુજની તવારીખી સમીક્ષા, ભૂજ અને અમદાવાદ વચ્ચેના માર્ગો વિશે જુદાજુદા અધિકારીઓએ આપેલા અહેવાલો ઉપરાંત કચ્છના નામદાર રાવે આપેલી માહિતીનો સમાવેશ થાય છે. એ જ રીતે ક્રમાંક-37માં કાઠિયાવાડ પ્રાંતનું અતિહાસિક, ભૌગોલિક અને આંકડાકીય વર્ણન, ત્યાંનાં દેશી રાજ્યો વિશેની પ્રકીર્ણ નોંધ, ઝાલાવાડ, કાઠિયાવાડ, મચ્છુ કાંઠો, હાલાર, સોરઠ, બરડો, ગોહિલવાડ વગેરે વિશેની વિગતવાર માહિતી, ઓખામંડળનાં કિલ્લેબંધ-સ્થળો, મુખ્ય રાજવીઓ વગેરે વિશે જુદાજુદા અધિકારીઓએ પૂરી પાડેલી માહિતી આપી છે. ક્રમાંક 39 તથા 147 ગુજરાતમાં દીકરીને દૂધપીતી કરવાના કુરિવાજનાં કારણો (દહેજપ્રથા) તથા અંગ્રેજોએ તેને અટકાવવા લીધેલાં પગલાં વિશે તલસ્પર્શી છણાવટ કરવામાં આવી છે. ક્રમાંક 11 ધોળકા, ખેડા, મહેમદાવાદ, નડિયાદ વગેરે વિસ્તારોની કૃષિ-વિષયક બાબતોને આલેખે છે તેમજ પાલનપુર જિલ્લામાં સતીના રિવાજ વિરુદ્ધ અંગ્રેજોએ કરેલા કાયદા-કાનૂનોનો પણ ખ્યાલ આપે છે. સર્વે એન્ડ સેટલમેન્ટ રિપોર્ર્ટ્સમાં ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયાઓ, નાના મોટા જમીનદારો તથા ગામડામાં વ્યાજ-વટાઉનો ધંધો કરતા શરાફો જેવા ખેતી સાથે સંકળાયેલા વર્ગોના માણસોનાં સામાજિક તથા આર્થિક જીવન વિશે તેમજ જમીનના પ્રકારો, ખેતીને લગતાં ઓજારો, અનાજ તથા રોકડિયા પાકની જાતો અને એની કિમત તથા જીવન-ધોરણ અને જીવનનિર્વાહના ખર્ચ વિશે ઝીણામાં ઝીણી વિગતો ઉપલખ્ધ છે, તે અભિલેખાગારોમાં વ્યવસ્થિત રીતે સચવાયેલા છે. પ્રજાજીવનનાં વિવિધ પાસાં વિશે વર્ણનાત્મક તેમજ આંકડાકીય માહિતી આપનારા સ્રોતોમાં 'સેન્સસ રિપોર્ટ્સ'નો સમાવેશ થાય છે. ગુજરાતનાં ધર્મસંપ્રદાયો, જાતિઓ, વાહનવ્યવહારનાં સાધનો, જન્મ-મરણના દર, જાહેર આરોગ્ય, ખેતી-વેપાર-ઉદ્યોગ, કેળવણીની સંસ્થાઓ વગેરે બાબતો ઉપર વિસ્તૃત માહિતી પૂરી પાડતા આ અહેવાલો હાલમાં ઘણું કરીને જર્જરિત દશામાં છે. પ્રથમ વસ્તીગણતરી ફેબ્રુઆરી 1872માં હાથ ધરવામાં આવી હતી, પણ એને બહુ આધારભૂત ગણી ન શકાય કારણ કે, એ કંઈક અંશે પ્રયોગાત્મક હતી અને રાષ્ટી્રય સ્તર પર વસ્તી ગણુતરીની કોઈ નિશ્ચિત પદ્ધતિ પણ વિકસાવવામાં આવી નહોતી. મુંબઇ સરકારની જુદી જુદી અદાલતોમાં ચાલેલા મુકદમા અને ન્યાયાધીશોએ આપેલા ચુકાદા હિંદુઓ, મુસલમાનો, પારસીઓ વગેરે કોમોના પરંપરાગત રિવાજોના સંદર્ભમાં અંગ્રેજ કાયદા-કાનૂનોનું જે રીતે અમલીકરણ થયું તેનાં વ્યાવહારિક દૃષ્ટાંતો પૂરાં પાડે છે. મિલકત અંગેના અધિકાર, વારસાઈ, નાતમાંથી બરતરફ કરવા અંગેના નિયમો અને રીતરસમો, નાતરાં તથા લગ્નવિચ્છેદ, શેઠ-નોકરોના સંબંધો, મકાનમાલિકો તથા ભાડૂતો વચ્ચેના સંબંધો, સ્ત્રીઓનો સામાજિક દરજ્જો, મંદિરોનો વહીવટ, બાળલગ્નો વગેરે પ્રશ્નોસંબંધી એ સમયના ગુજરાતી સમાજનાં વલણો અને વર્તનનો ચિતાર આપતી મહત્ત્વની અદાલતી સામગ્રી ઓગણીસમી સદીની શરૂઆતથી ઉપલબ્ધ છે. મુંબઇ ઇલાકાની લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જેમ જેમ હિન્દીઓને સ્થાન મળતું ગયું તેમ તેમ પ્રજાના મહત્ત્વના પ્રશ્નો વધુ ને વધુ ચર્ચાવા લાગ્યા. તેમાં ગુજરાતને સ્પર્શતા અનેક સહત્ત્વના પ્રશ્નોની વિગતવાર છણાવટ થતી. તદુપરાંત, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દનાં રાજકારણ તેમજ સમાજ-જીવનનાં વિવિધ પાસાં વિશે ચર્ચા થતી હતી, જે 'બ્રિટિશ પાર્લામેન્ટરી પેપર્સ'માં ઉપલબ્ધ છે. ગુજરાતનાં ઐતિહાસિક સંશોધન માટે તે માહિતીની ખાણ સમાન છે. નીચેનાં દૃષ્ટાંતો ઉપરથી આ સરકારી દસ્તાવેજોના મહત્ત્વનો ખ્યાલ આવી શકશે. એક પાર્લામેન્ટરી પેપર 1880થી 1890 સુધીના સમયમાં ખંભાતના ખેડૂતોની કથળતી જતી આર્થિક સ્થિતિનો ચિતાર આપે છે, એટલું જ નહીં, પણ ખેડૂતોએ રાજ્ય સામે કેવી રીતે બળવો પોકાર્યો એની સાખ પૂરી પાડે છે; બીજું એક પાર્લામેન્ટરી પેપર ગુજરાતનાં રજવાડા તથા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગુજરાતી તેમ જ અંગ્રેજી કર્મચારીઓમાં તથા ગુજરાતના વૈપારીઓ અને શરાફોમાં પ્રવર્તતી લાંચરુશવતની બદીને છતી કરે છે. એટ્કિન્સન નામના અંગ્રેજ સનદી અમલદારે તૈયાર કરેલી ગ્રંથમાળાના ગ્રંથ-6માં અંગ્રેજ શાસનની શરૂઆતમાં કંપની સરકાર અને ગુજરાતનાં દેશી રાજ્યો વચ્ચે જે કરાર થયા તેની સવિસ્તાર દસ્તવેજી માહિતી આપેલી છે. તદુપરાંત, ગુજરાતના ઇતિહાસ-લેખન માટે અપ્રકાશિત સાધનસામગ્રી સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જે સરકારી અલિલેખાગારોમાં તેમજ કૌટુંબિક તથા સાર્વજનિક માલિકીના સ્વરૂપમાં મળી આવે છે. જ્યારે સરકાર સામે વધતા જતા ખેડૂતોના અસંતોષ તેમજ રાજકીય પ્રવૃત્તિઓને આલેખતી અનેક હસ્તપ્રતો અને ટાઈપ થયેલાં લખાણો સરકારના ગૃહ વિભાગ (રાજકીય)નાં પખવાડિક અહેવાલોમાં જોવા મળે છે, ત્યાં ગુજરાતની ધાર્મિક અને સામાજિક બાબતોને સ્પર્શતી અનેક વિગતોને મહેસૂલ વિભાગની ફાઇલોમાં ઉપલબ્ધ છે. આ ફાઈલોમાં ખાસ કરીને વંશપરંપરાગત સામાજિક તથા આર્થિક અધિકારો, પેન્શન, ઇનામી જમીન, મંદિરની સાચવણી માટે સરકાર તરફ્થી અપાતાં અનુદાનો વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. 1818માં બ્રિટિશ વહીવટની શરૂઆત સાથે ગુજરાતના કેટલાક સામાજિક-ધાર્મિક વર્ગોને સહન કરવું પડયું. ગાયકવાડ અને પેશવાના લશ્કરમાં તથા અન્ય સરકારી નોકરીઓમાં કામ કરતા ઘણા માણુસોનાં પેન્શન રદબાતલ ગણવામાં આવ્યાં હતાં, ઘણાને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. નિરાધાર બનેલા આ માણસોએ સરકારને દયા માટે કરેલી અનેક અરજીઓ આ ફાઈલોમાં મળી આવે છે. ગુજરાતના ઇનામદારો, જમીનદારો અને મંદિરોના મહંતોએ પણ એમના પરાપૂર્વના અધિકારો ચાલુ રાખવા માટે અરજીઓ કરી હતી. એક ફાઈલ ડાકોરમાં આવેલ રણછોડજીના મંદિરની સ્થાપના અને એના નિભાવાર્થે પેશવા તરફ્થી મળતાં અનુદાનસંબંધી વિગતો આપે છે. આ મંદિરના અગ્રણીઓએ બ્રિટિશ સરકારને મદદ માટે અરજી કરી હતી. બ્રિટિશ શાસન હેઠળનાં ગુજરાતમાં સામાન્ય જીવન વિશે માહિતી પૂરી પાડતા આ મહત્ત્વના સ્રોત છે. ઘણા કિસ્સાઓમાં તે સ્વતંત્ર ભારતમાં વહીવટ માટેના પાયાના દસ્તાવેજો બન્યા છે.

Read Full Story arrow_forward
Opinion:પુસ્તક જ શ્રેષ્ઠ શિક્ષક છે, જે જીવનનો દૃષ્ટિકોણ ઘડે છે
calendar_today January 14, 2026

Opinion:પુસ્તક જ શ્રેષ્ઠ શિક્ષક છે, જે જીવનનો દૃષ્ટિકોણ ઘડે છે

થોડા સમય પહેલાં એવા સમાચાર વાંચવામાં આવ્યા હતા કે એક દેશમાં હવે પતિ પણ ભાડે મળે છે. વર્તમાન સમયમાં બધું જ ભાડે મળે છે, પણ વિચારો તો ખુદ પ્રગટાવવા પડે, કદાચ વિચાર વાવી શકાય છે, પણ ઉગાડવા તો ખુદને જ પડે, જીવનમાં સારા વિચાર ઉગાડવા માટે પુસ્તક વાંચન જ શ્રેષ્ઠ ઉપાય છે. અખબાર વાંચનારને ખબર પડે કે ક્યાં? શું થઈ રહ્યું છે પરંતુ, પુસ્તક વાંચનારને સમજ પડે છે કે તે શા માટે થઈ રહ્યું છે. પુસ્તક વાંચનથી સમજ કેળવાય છે. જીવનનું ઘડતર થાય છે.વર્તમાન સમયની મોટાભાગની સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં લોકોની સમજણ શક્તિઓનો અભાવ દેખાય છે. બાળકોના ઘડતરમાં દેખાતી ઊણપનો ઉપાય પણ પુસ્તક વાંચનમાં છે. ખરેખર વાંચન જ્ઞાન અને શક્તિઓનો સ્ત્ર્રોત છે. જેનાથી સમજણ અને કલ્પના શક્તિ ખીલે છે. શીખવું એ માણસની પ્રકૃતિ છે, તે માટે પુસ્તકાલય જ આદર્શ શાળા છે. જીવનનો ઉદ્દેશ અને જીવનનો રાહ શીખવા માટે પુસ્તક વાંચન ખૂબ જરૂરી છે. ખરેખર પુસ્તક જ શ્રેષ્ઠ શિક્ષક છે જે જીવનનો દ્રષ્ટિકોણ ઘડે છે. આપણી પરંપરા અને સંસ્કૃતિ ટકાવવામાં એક મહત્ત્વની ભૂમિકા ભાષા અને પુસ્તકની પણ છે. પુસ્તક એ એવો મિત્ર છે જે ક્યારેય થાકતો નથી, ક્યારેય છેતરતો નથી અને હંમેશા સાચો માર્ગ બતાવે છે. પુસ્તક વાંચન માણસને દેશ અને સીમાઓની પાર લઈ જાય છે. પુસ્તકો જ્ઞાનનો ખજાનો છે. તેમાંથી મહત્તમ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. પુસ્તક વાંચન માણસને સંકુચિત વિચારમાંથી બહાર લાવે છે, તેની માન્યતા અને પૂર્વ ગ્રહને તોડે છે. પુસ્તક માણસનો વ્યવહાર કુશળ બનાવે છે. વિશ્વના તમામ મહાન લોકો વાંચન પ્રેમી હતા. મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન, સ્વામી વિવેકાનંદ, અબ્દુલ કલામ સાહેબ વગેરે અનેક વિશિષ્ટ વ્યક્તિઓમાં એક સામ્યતા હતી અને તે પુસ્તક વાંચનની હતી. આઝાદીની લડતના સમયે સૌથી વધુ પુસ્તકો જેલમાં વંચાયા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સારા પુસ્તક વાચક છે. તેઓ 2014 માં વડાપ્રધાન બન્યા ત્યારે ગાંધીનગરથી દિલ્હી લઈ જવાયેલા સામાનમાં પુસ્તકો ભરેલા કબાટો પણ હતા.પુસ્તક માણસના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. પુસ્તકનો ઇતિહાસ ખૂબ જૂનો નથી. ઇ.સ 105 એટલે કે 1920 વર્ષ પહેલાં ચીનમાં કાઇલૂન નામના વ્યક્તિએ કાગળની શોધ કરી હતી. પણ કાગળ ઉપર છાપકામ કરવાની કળા અને સાધનો વિકસતા બીજા 1,000 વર્ષ લાગ્યા હતા. ઈ.સ 1455માં પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે છાપખાનું જર્મનીમાં શરૂ થયું હતું. દુનિયાનું પ્રથમ પુસ્તક બાઇબલ જર્મનીમાં છપાયું હતું. પરંતુ, ભારતમાં છાપકામ શરૂ થવામાં બીજા 100 વર્ષ થયા હતા. ઈ.સ 1556માં ગોવા ખાતે પ્રથમ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છપાયું હતું. આમ, ભારતમાં પુસ્તક છાપકામ શરૂ થયા પરંતુ, શાળાઓમાં પાઠયપુસ્તકોની શરૂઆત ખૂબ મોટી થઈ હતી. 19મી સદીમાં 1812માં બ્રિટિશકાળ દરમિયાન શાળાઓમાં પાઠયપુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. ભારત સહિત દુનિયામાં પુસ્તકોને પવિત્ર માનવામાં આવે છે. તેને દેવનો દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં વેદો, ગીતા, મહાભારત અને રામાયણ ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ, મુસ્લિમ ધર્મમાં કુરાન, બૌદ્ધ ધર્મમાં ત્રિપીટક અને શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબ, પ્રણામી સંપ્રદાયમાં શ્રીતારતમ સાગર તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની આજે પણ પૂજા થાય છે, તેના દર્શન કરવામાં આવે છે. જો પૂજા કે દર્શનથી લાભ થતો હોય તો તેના વાંચનથી જીવનના પરમ તત્ત્વને પામી શકાય છે, આ છે પુસ્તકનું મહત્ત્વ ! દુનિયામાં 90 ટકા લોકો જેટલી કમાણી કરે છે તેટલો ખર્ચ કરે છે. ગરીબ માતા-પિતા એવી શું ભૂલ કરે છે કે તેના બાળકો ગરીબ રહી જાય છે તે જાણવું હોય તો રિચ ડેડ-પુઅર ડેડ* નામનું પુસ્તક વાંચવું પડે. જીવનમાં સુખને સમજણ સાથે સીધો સંબંધ છે. ખરી સમજણ વાંચનથી આવી શકે છે. ભારતમાં 22 માન્ય ભાષાઓ અને 1,650 જેટલી જુદીજુદી બોલીઓ બોલાય છે. તે વાંચવા, જાણવા અને સમજવા માટે પુસ્તક વાંચવા સિવાય છૂટકો જ નથી. વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' છે. આ પુસ્તકાલયમાં 17 કરોડ પુસ્તકો છે, તેમાં 3,000 કર્મચારીઓ કામ કરે છે. એ બૌદ્ધિક સંપત્તિનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. પરંતુ, આજે ભારતમાં પુસ્તકાલય પુસ્તકોથી સમૃદ્ધ છે. પરંતુ, વાચકથી ગરીબ છે. પુસ્તકાલયમાં મોટાભાગના પુસ્તકો એક પણ વાર વંચાયા વગર પડયા છે. ભારતની ગરીબીનું કારણ પુસ્તકાલયના કબાટો ખોલતા નથી તે પણ છે. વર્તમાન સમયમાં માતા-પિતાને સૌથી મોટી ચિંતા બાળકોના ભવિષ્ય અંગેની છે, તેનું શું થશે ? શું ભણશે? તે કેવું થશે ? વગેરે પ્રશ્નો વાલી માટે ચિંતા જન્માવે છે. પરંતુ, જો પરિવારમાં પુસ્તક વાંચન થાય તો ઘણા પ્રશ્નો ઊભા થાય તેમ નથી. આજે મોટાભાગના બાળકોમાં જીવન મૂલ્યોની ઊણપ દેખાય છે. ભણવામાં રસ નથી વધુ ચંચળ છે. સાથે આવેશ, ડિપ્રેશન અને સમજણ ઓછી હોય તેવું લાગે છે. તેનું કારણ તેમનામાં જીવન મૂલ્યોનું સિંચન બરાબર થતું નથી પહેલા પરિવારમાં જીવન મૂલ્યોના પાઠ શીખવા મળતા હતા તે હવે નથી મળતા...પરિણામે બાળક એકલતા અનુભવે છે, દિશા શૂન્ય બને છે, જીવનનું દ્રષ્ટિ કોણ જ ખબર નથી. પરિણામે કદાચ ભણવામાં ડિગ્રી મેળવી લેશે પરંતુ, સારો માણસ નહીં બની શકે તેના માટે હવે વાંચન સંસ્કૃતિ ઊભી કરવી પડે તેમ છે. ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે બાળકમાં સમજણ આપવા સિવાય કોઈ બીજો ઉપાય જ નથી. આટલી વાત માતા-પિતા, શાળા અને સમાજે સ્વીકારવી પડે તેમ છે. કોઈ જાગૃતિના કાર્યક્રમ કે એક પિરિયડ લઈ લેવાથી ફેર પડે તેમ નથી. સંસ્કારનું સિંચન કરવા પુસ્તક વાંચનનો સહારો લીધા વિના છૂટકો જ નથી. પુસ્તક વાંચનથી સમજણ કેળવાશે અને મોબાઇલના સ્ક્રીન ટાઈમ ઘટશે તે સીધો ફાયદો થાય તેમ છે. બાળક કોઈ વ્યસન ન કરે, સારી સંગતમાં રહે, સારી કારકિર્દી ઘડે, ઉપરાંત બાળક સારો માણસ બને તે માટે માતા-પિતા એ જ પ્રયાસ કરવો પડે તે સમય આવી ગયો છે. માતા-પિતાએ ખુદ વિચારશીલ વ્યક્તિ બનવું હોય તો તેમને પુસ્તક વાંચન કરવું જોઈએ. માતા-પિતા ખુદ વાંચનથી કેળવાશે તો તે આદર્શ માતા-પિતા બનશે ત્યાર પછી બાળકમાં વાંચનની ટેવ પડશે તોતે તેની ખુદની જિંદગી ગુણવતાવાળી બનાવે તેવી સમજણવાળો બની શકે છે. પહેલા લોકો અભણ હતા. એટલે કથાવાર્તા, સત્સંગ વગેરેથી માણસને જીવન ઘડતરના પાઠ શીખવા મળતા હતા. પરંતુ, હવે લોકો ભણેલા છે તેથી તેમને ખુદે જાણકારીના ખજાનાને પામવો જોઈએ. 'વાંચે ગુજરાત'નું અભિયાન હવે ભુલાઈ ગયું છે. ફરી માણસને સારા જીવન માટે જાતે ઘડાવું પડે તેવો સમય આવી ગયો છે. પુસ્તક વાંચનમાં અદ્ભુત તાકાત છે. તેનો અહેસાસ કરવાની જરૂર છે. પુસ્તક વાંચનથી ત્વરિત દેખાતા લાભ પણ માણસના જીવનને બદલી શકે છે. માત્ર પાંચ લાભ પણ પુસ્તક વાંચનના મજબૂત કારણો બને છે. (1) પુસ્તક વાંચનની શરૂઆત કરતા જ વ્યક્તિનું મન શાંત અને સ્થિર થાય છે. વર્તમાન સમયમાં પ્રથમ જરૂરિયાત શાંતિની છે. (2) પુસ્તક વાંચનથી ચિંતા, તણાવ ઓછા થાય છે. આજે માણસની ચિંતા તણાવ જ ડિપ્રેશનનું કારણ છે. (3) થોડા પેજ વાંચશે ત્યાં જ વાચકના મનમાં નવા વિચારનું બીજ રોપાઈ છે. (4) જેમ-જેમ વાંચન આગળ વધશે તેમ આત્મસ્ફૂરણાનો પ્રારંભ થાય છે. (5) ત્વરિત ફાયદામાં પુસ્તક વાંચન શરૂ કરશો તો સારી ઊંઘ આવશે...આમ પણ સારી ઊંઘ એ તંદુરસ્તી માટે ઔષધિ છે. જો પુસ્તક વાંચનના પ્રથમ પુસ્તકથી ઉપરોક્ત ફાયદા અનુભવી શકાય છે. તેથી સારા પુસ્તક વાંચનની ટેવ પડે તો અઢળક લાભ થાય તેમ છે. વ્યક્તિના જીવનનો દ્રષ્ટિકોણ બદલાય છે. નિર્ણય લેવાની ક્ષમતા કેળવાય છે. વ્યવહાર કુશળતા વધે છે. એટલું જ નહીં પ્રગતિશીલ જીવનની દિશા મળે છે અને પુસ્તક વાંચનથી વ્યક્તિને કલ્પનાની પાંખો ફૂટે છે. ખરેખર એક વાતની ગાંઠ વાળવી પડે તેમ છે કે, પુસ્તક વાંચન એ સ્વયંમાં કરેલું શ્રેષ્ઠ રોકાણ છે. કાનમાં કહું...? વાંચન વિનાનો સમૂહ ભીડ બને છે, વાંચન કરતો સમૂહ શક્તિ બને છે.

Read Full Story arrow_forward