Palanpur : હાઈવે પર 3 લોકોને કચડી નાસી છુટેલો ટેન્કર ચાલક ઝડપાયો
ગત તા.19/10/2026 ના રોજ રાત્રિના સુમારે પાલનપુર - ડીસા હાઈવે પર બાદરપુરા(ખોડલા) ગામના પાટીયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સફેદ રંગના અજાણ્યા ટેન્કરના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી સોતમલા ગામના રીક્ષા ચાલક શ્રવણભાઈ દિનેશભાઈ માજીરાણાની રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલક શ્રવણભાઈ તેમજ રીક્ષામાં પાછળ બેઠેલા શ્રમજીવી વયોવૃદ્ધ દંપતિ ચેહરાભાઈ દજાભાઈ મુલુપુરા અને લાસુબેન ચેહરાભાઈ મુલુપુરા બંને રહે.સાંડિયા, તા.ડીસાવાળાને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ભાગી છુટયો હતો. આ અંગે ગઢ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. અકસ્માતમાં જાન ગુમાવનાર રીક્ષા ચાલક પરીવારનો એકમાત્ર મોભી હતો અને તેના પર જ પરિવારનું ગુજરાન ચાલતું હતું. જ્યારે મૃતક દંપતી પણ સામાન્ય મજૂર વર્ગનું હતું. અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક રાત્રિના અંધારાનો લાભ લઈ પોલીસ અને ઓથોરિટીને જાણ કર્યા વગર નાસી ગયો હોવાથી આ ગુનો શોધી કાઢવો પોલીસ માટે મોટો પડકાર હતો. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી એલસીબી પી.આઈ. ડી.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી.જાડેજા અને જે.એસ.ગઢવીની ટીમ બનાવી તપાસ ધમધમાવવામાં આવી હતી. એલ.સી.બી. ટીમની પ્રાથમિકતા તપાસમાં અકસ્માત સર્જનાર વાહન પેટ્રોલિયમ ચીજવસ્તુઓની હેરાફેરી કરતું ટેન્કર હોવાની કડી મળી હતી. જેના આધારે ચંડીસર સ્થિત એચપીસીએલ કંપનીના ટર્મિનલ સ્ટેશન તરફ તપાસ કેન્દ્રિત કરવામાં આવી હતી. એચપીસીએલ ખાતે દૈનિક હજારો ટેન્કરોની અવરજવર હોવાથી એલસીબીની ટીમે પાલનપુરથી લઈને ચંડીસર એચપીસીએલ ટર્મિનલ સુધીના આશરે 160 થી વધુ સીસીટીવી કેમેરા બારીકાઈથી ચેક કર્યા હતા. સીસીટીવી ચકાસણી દરમ્યાન અકસ્માતમાં સંડોવાયેલ ટેન્કરનો નં. જીજે 18 બીટી 8500 હોવાનું સ્પષ્ટ થયું હતું. ટેન્કર માલિક શેખાવત પેટ્રોલિયમ અંગેની વિગતો મેળવી તપાસ કરતા માલુમ પડયું હતું કે ઘટનાના દિવસે ટેન્કર ચાલક મહેશભાઈ અંબાભાઈ શેખલીયા રહે.મોટા, તા.પાલનપુરવાળો છત્રાલ ખાતે આવેલ પેટ્રોલિયમ પરથી ખાલી ટેન્કર લઈ ડીઝલ-પેટ્રોલ ભરવા ચંડીસર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાદરપુરા નજીક આ અકસ્માત સર્જાયો હતો. એલસીબી પાલનપુરની ટીમે ટેન્કર ચાલક મહેશભાઈ અંબાભાઈ શેખલીયાને ટેન્કર સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે ગઢ પોલીસ મથકને સોંપી આપેલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward