android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli:ખાતર પણ નકલી : અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ
calendar_today January 6, 2026

Amreli:ખાતર પણ નકલી : અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ

અમરેલી નજીક ગેરકાયદેસર રીતે નકલી ખાતર બનાવવાની ફેક્ટરી ચાલી રહી હોવાની વાતને આધારે પોલીસે દરોડો પાડી આખે આખી ફેક્ટરી ઝડપી પાડી છે. જોકે ફેક્ટરી સંચાલક કે કામ કરનારા કોઈ પણ કર્મચારીઓ પોલીસની ઝપટે હજુ સુધી ચડયા નથી જેના કારણે આશ્ચર્ય સર્જાયું છે.અમરેલી જિલ્લામાં આવા બનાવટી ખાતર બનાવી અને ખેડૂતોને વેચાણ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ટીમ દ્વારા તપાસ ચાલી રહી હતી. બાબરા તાલુકાના ખંભાળા ગામે ફર્ટિલાઈઝર એગ્રોના વિક્રેતા પાસેથી બનાવટી ઇફ્કો કંપનીના માર્કાવાળી પ્લાસ્ટિકની બેગમાં હલકી ગુણવત્તાવાળું ખાતર ભરી વેચાણ કરવા અંગેનો ગુનો નોંધાયેલો હતો. જેની તપાસ ચાલુ હતી. તપાસ દરમિયાન અમરેલીના મોટા આંકડિયા પીપળલગ રોડ ઉપર આવેલ નિરીમા એગ્રી પ્રોડક્સ નામની ફેક્ટરીમાંથી ડુપ્લીકેટ ખાતર બનતું હોવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે દરોડો પાડયો હતો. આ ફેક્ટરીમાંથી પોલીસને હલકી ગુણવત્તાનું એમોનીયમ સલ્ફેટ ખાતર ભરેલ પ્લાસ્ટિકની બેગ-50 કિલો નંગ-502, રૂ.4.76.900, ખાતર ભરેલ પ્લાસ્ટિકની બેગ-25 કિલો, નંગ-720, કિ.રૂ.6,84,000, સરોવર-સરદાર ઈમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટીલાઇઝર કોર્પોરેશન લખેલ પ્લાસ્ટિકની ખાતર ભરવા ઉપયોગમાં લેવાતી ખાલી બેગ નંગ-5600, કિ. રૂ.14,000, હલકી ગુણવત્તાનું ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મશીનરી નંગ-3. રૂ. રૂ.8,50,000 મળીને રૂ.16.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ફેક્ટરીનો સંચાલક ભરત ચીમનભાઈ ધાનાણી રહે.લાલાવદર, તા.જી.અમરેલી, હાલ રહે.સુરત વાળો મળ્યો નથી કે અહીં કામ કરનારા અન્ય કોઈ વ્યક્તિ પણ હજુ સુધી પોલીસના હાથ લાગ્યા નથી. ફેક્ટરીમાં અનેક લોકોની સંડોવણીની શક્યતા અમરેલી નજીકથી પોલીસને નકલી ખાતર બનાવવાની આખે આખી ફેક્ટરી મળી આવી છે તેમાં માત્ર એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તે વ્યક્તિ પણ હાલ ફરાર છે. જ્યારે આ આખી ફેક્ટરીમાં અનેક લોકો કામ કરતા હોવાની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં તેના જુદા જુદા અને તેનો વેચાણ કરનારા અનેક લોકોના નામ આમાં ખુલે તેમ છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Opinion:ચકાસો કે તમે પાણી નહીં ઝેર પી રહ્યા છો કે શું?
calendar_today January 6, 2026

Opinion:ચકાસો કે તમે પાણી નહીં ઝેર પી રહ્યા છો કે શું?

લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે દેશનાં દરેક નાગરિકનો અબાધિત અધિકાર છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં લોકોને પીવા માટે દૂષિત પાણી મળી રહ્યું છે. સત્તાવાળાઓ દ્વારા નાગરિકનાં જીવન અને જિંદગી સાથે ચેડાં કરાઈ રહ્યા છે.છેલ્લા 7-8 વર્ષથી સ્વચ્છ શહેર તરીકેનો સતત એવોર્ડ જીતતા આવતા ઈન્દોરનાં લોકોને સ્વપ્નેય પણ ખ્યાલ નહીં હોય કે દૂષિત અને વિષાણુયુક્ત પાણીનો ધોધ અનેકની જિંદગી છીનવી લેશે કે તેને બેહાલ કરી દેશે. આમ જોવા જઈએ તો કેટલાક સમયથી ઈન્દોરનાં લોકો દૂષિત પાણીની ફરિયાદો કરી રહ્યા હતા પણ સત્તાવાળાઓનાં બહેરા કાને અથડાઈને આ ફરિયાદો પાછી વળતી હતી. કોઈ સત્તાવાળાઓ કે અધિકારીઓએ ઈન્દોરનાં લોકોની ફરિયાદો સામે આંખ આડા કાન કર્યા જેનાં પરિણામે ત્યાં 15 જેટલા લોકોની જિંદગી પર પાણી ફરી વળ્યું. ચોખ્ખું સ્વચ્છ પાણી મેળવવાનાં સપના પર દૂષિત પાણી ફરી વળ્યું. હવે ત્યાં દૂષિત પાણીનાં કારણે કેટલાં મોત થયા તેનાં આંકડા પર રાજકારણ રમાઈ રહ્યું છે. ગ્રેટર નોઇડાનાં પણ આવા જ હાલ થઈ રહ્યા છે. સત્તાવાળાઓની બેદરકારીને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બધી ઘટનાઓ પછી તમામ રાજ્ય સરકારો તેમજ સત્તાવાળાઓએ લોકોને પીવાનું સ્વચ્છ પાણી આપવા તાકીદે પગલાં લેવાની જરૂર છે. લોકોની સુખાકારીનાં મામલે કોર્ટોએ દખલગીરી કરવી પડે તે સૌના માટે શરમની વાત છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં મામલો ગયો તો ત્યાં મુખ્ય સમસ્યા દૂર કરવા ચર્ચા થવાને બદલે મોતનાં ખોટા આંકડાઓ પર દલીલબાજી ચાલી. આ પણ મુખ્ય મુદ્દાથી લોકોને ભટકાવવાની વાત થઈ. ઈન્દોરનાં સત્તાવાળા 10નાં મૃત્યુ થયાનું ગાણું ગાઈ રહ્યા છે ત્યારે બિનસત્તાવાર આંકડો 15નાં મોતની પુષ્ટિ કરી રહ્યો છે. 200થી વધારે લોકો હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમની પાસે રહેલા પાણીનાં તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરીને સૌને પીવાનું શુદ્ધ પાણી આપવું એ તેમની ફરજ છે. કેન્દ્ર સરકારે પણ આ દિશામાં કામગીરી કરવા રાજ્યોને સૂચના આપીને લોકોને શુદ્ધ પાણી પહોંચતું કરવા તાકીદ કરવાની જરૂર છે. એક અભ્યાસ મુજબ દેશમાં દરેક 1લાખની વસ્તી દીઠ સરેરાશ 35 લોકોનું દૂષિત પાણી પીવાથી મૃત્યુ થાય છે. ગ્લોબલ એવરેજની સરખામણીમાં આ આંકડો 3 ગણો છે. સરકાર દ્વારા જળ જીવન મિશન નામનું મંત્રાલય શરૂ કર્યું છે. લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. 81 ટકા ગ્રામિણ ઘરોમાં પીવાનું શુદ્ધ જળ નળ દ્વારા અપાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે નળ સે જળની ઝુંબેશ ચલાવવામાં આવી છે.

Read Full Story arrow_forward
Opinion:સાત સમંદર પારથી આવતા વિદેશી મહેમાનોનું મનગમતું સરનામુ
calendar_today January 6, 2026

Opinion:સાત સમંદર પારથી આવતા વિદેશી મહેમાનોનું મનગમતું સરનામુ

ગુજરાતની ધરતી હંમેશા તેની મહેમાનગતિ માટે જાણીતી રહી છે, પરંતુ આ મહેમાનગતિ માત્ર માનવો પૂરતી સીમિત નથી. જ્યારે ઉત્તર ધ્રુવ અને મધ્ય એશિયામાં કકડતી ઠંડી પડવાની શરૂઆત થાય છે, ત્યારે હજારો માઇલનું અંતર કાપીને લાખો વિદેશી પંખીઓ ગુજરાતના જળાશયોને પોતાનું હંગામી આશ્રયસ્થાન બનાવે છે. વર્ષ 2024-25ના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો જણાય છે કે ગુજરાત ખરા અર્થમાં પક્ષીઓ માટેનું 'સ્વર્ગ' બની ગયું છે.આ વર્ષે રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં આશરે 8.33 લાખથી વધુ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, જે પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે અત્યંત આનંદના સમાચાર છે. સમગ્ર વિશ્વમાં પક્ષીઓની અંદાજે નવ હજાર જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી ભારત 1,200 જેટલી પ્રજાતિઓનું ઘર છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતની આ વિવિધતામાં મોટો હિસ્સો ગુજરાતનો છે, જ્યાં 400થી વધુ પ્રજાતિઓ માત્ર પરદેશી પ્રવાસી પંખીઓની જ જોવા મળે છે. સાઇબીરિયાના બરફ આચ્છાદિત મેદાનો હોય, પૂર્વ યુરોપની પહાડીઓ હોય કે પછી મધ્ય એશિયાના રણ પ્રદેશો, આ તમામ વિસ્તારોમાંથી પક્ષીઓ ઊડીને ગુજરાતના નળ સરોવર, થોળ અને ખીજડિયા જેવા વિસ્તારોમાં આવે છે. ગુજરાતમાં પક્ષીઓના આ આકર્ષણ પાછળ માત્ર કુદરતી સાનુકૂળતા મહત્ત્વનો ભાગ ભજવે છે. જામનગર પાસે આવેલું ખીજડિયા પક્ષી અભયારણ્ય આ વર્ષે પક્ષીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું છે. અહીં 334 જેટલી વિવિધ પ્રજાતિઓના અંદાજે 3.09 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. જ્યારે સૂર્યોદયના પ્રથમ કિરણો ખીજડિયાના પાણી પર પડે છે, ત્યારે કાળી ડોક ઢોંક, ગાજ હંસ, પેણ અને ફ્લેમિંગો જેવા પક્ષીઓનો કલરવ એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે. અહીં માત્ર જળચર પક્ષીઓ જ નહીં, પણ શિકારી પક્ષીઓ જેવા કે ઈગલ, શકરો અને કાઈટ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ખીજડિયાની વિશેષતા એ છે કે ત્યાં મીઠા અને ખારા પાણીના સંગમ સ્થાને નિર્માણ પામેલી નિવસનતંત્રની વ્યવસ્થા પક્ષીઓને પૂરતો ખોરાક અને સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, ગુજરાતના ગૌરવ સમાન રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2023ના વસ્તી અંદાજ મુજબ રાજ્યમાં મોરની સંખ્યા 2.85 લાખને વટાવી ગઈ છે, જે દર્શાવે છે કે સ્થાનિક પક્ષીઓ માટે પણ ગુજરાત એટલું જ સાનુકૂળ છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય વર્ષોથી યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ અગત્યનું સ્થાન રહ્યું છે. 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ સરોવરને વર્ષ 2012માં રામસર સાઇટનો આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો છે. આ સરોવર સેન્ટ્રલ એશિયન ફ્લાય-વેના રૂટ પર આવતું હોવાથી મધ્ય એશિયાથી આવતા પક્ષીઓ માટે તે પ્રથમ વિસામાનું સ્થળ બને છે. વર્ષ 2024ની ગણતરી મુજબ નળ સરોવરમાં 17થી વધુ પ્રજાતિઓના 4.12 લાખ પક્ષીઓ નોંધાયા છે. તેની નજીક જ આવેલું થોળ પક્ષી અભયારણ્ય પણ પક્ષીઓની પસંદગીમાં પાછળ નથી, જ્યાં 55 હજારથી વધુ પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો છે. નળ અને થોળના આ સંયુક્ત વિસ્તારમાં ડૂબકીઓ, પેલિકન્સ, બતક, હંસ અને કુંજ જેવા પક્ષીઓ લાખોની સંખ્યામાં કિલ્લોલ કરતા જોવા મળે છે, જે પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતની એક નવી ઓળખ ઊભી કરી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં વડોદરા પાસે આવેલું વઢવાણા વેટલેન્ડ પક્ષીઓ માટેનું બીજું એક મહત્ત્વનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. વર્ષ 2024-25 દરમિયાન અહીં અંદાજે 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા છે. વઢવાણાની વિશેષતા એ છે કે અહીં યાયાવર પક્ષીઓની સાથે સાથે સ્થાનિક પક્ષીઓની પણ મોટી સંખ્યા જોવા મળે છે. માઇગ્રેટરી બર્ટ્સમાં ગાજ હંસ, રાજ હંસ, લાલ ચાંચ કારચિયા અને નાની મુરઘાબી જેવા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે, જ્યારે સ્થાનિક પક્ષીઓમાં ભગવી સુરખાબ અને નાની સિસોટી બતક જેવી જાતિઓ વઢવાણાના આકાશને રંગીન બનાવે છે. આ પક્ષીઓ માત્ર સૌંદર્ય જ નથી વધારતા, પરંતુ તે કૃષિ નિવસનતંત્રમાં જંતુઓનું નિયંત્રણ કરીને પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મોટો ફાળો આપે છે. કચ્છનો રણ વિસ્તાર પક્ષીઓના સ્થળાંતરના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કચ્છને પક્ષીઓ માટેનું 'રિફ્યૂઅલિંગ સ્ટેશન' માનવામાં આવે છે. જ્યારે પક્ષીઓ આફ્રિકા તરફ જવા નીકળે છે, ત્યારે અરબી સમુદ્ર ઓળંગતા પહેલા તેઓ કચ્છમાં રોકાણ કરે છે. આ પક્ષીઓને 'પેસેજ માઇગ્રન્ટ્સ' કહેવામાં આવે છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવેલી ગણતરીમાં કચ્છમાં અંદાજે 2,564 પક્ષીઓ નોંધાયા હતા. આ ગણતરી એ ભારતની એક મોટી સિટીઝન સાયન્સ પહેલ છે, જેમાં ગુજરાત વન વિભાગ અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા જેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. ગત વર્ષે 17 રાજ્યોના 200થી વધુ પક્ષીપ્રેમીઓએ 51 ટીમો બનાવીને કચ્છના 10 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સરવે કર્યો હતો. આ સરવેમાં યુરોપિયન રોલર, સ્પોટેડ ફ્લાયકેચર અને બ્લ્યૂ ચેકડ બી ઈટર જેવી દુર્લભ પ્રજાતિઓ નોંધાઈ હતી. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાત માત્ર પક્ષીઓનું આશ્રયસ્થાન જ નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો માટે પણ એક જીવંત પ્રયોગશાળા છે. હાલમાં જ એટલે કે 5મી જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરી. આ ઉજવણી આપણને યાદ અપાવે છે કે પક્ષીઓ વગરનું આકાશ અને પૃથ્વી અધૂરી છે. લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે જનજાગૃતિ અત્યંત અનિવાર્ય છે. ગુજરાત જે રીતે યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે, તે જોતા કહી શકાય કે આવનારા સમયમાં રાજ્ય વન્યજીવ પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણના વૈશ્વિક નકશા પર વધુ તેજસ્વી બનીને ઊભરશે. પક્ષીઓનું ગુજરાતમાં આગમન એ માત્ર એક ભૌગોલિક ઘટના નથી, પરંતુ તે ગુજરાતની પર્યાવરણીય સમૃદ્ધિ અને લોકોની પક્ષીઓ પ્રત્યેની આત્મીયતાનું પ્રતીક છે. જ્યારે લાખો પક્ષીઓ એકસાથે પાંખો ફેલાવીને ગુજરાતના આકાશમાં ઊડે છે, ત્યારે તે દ્રશ્ય માત્ર નયનરમ્ય જ નથી હોતું, પરંતુ તે પ્રકૃતિ અને માનવ વચ્ચેના અતૂટ બંધનનો સંદેશ પણ આપે છે. આમ, ગુજરાતના જળપ્લાવિત વિસ્તારો આજે પક્ષીઓના કલરવથી માત્ર ગુંજી જ નથી રહ્યા, પરંતુ તે વિશ્વને જૈવ વિવિધતાના જતનનો એક મજબૂત માર્ગ પણ બતાવી રહ્યા છે.

Read Full Story arrow_forward