android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Opinion:કચ્છમાં 1819નો વિનાશક ભૂકંપ અને સુનામી
calendar_today January 6, 2026

Opinion:કચ્છમાં 1819નો વિનાશક ભૂકંપ અને સુનામી

કચ્છના જ્વાળામુખી ઉત્પત્તિને કારણે અહીં વારંવાર ધરતીકંપ આવે છે. 19મી સદી દરમિયાન 1819, 1844, 1845 અને 1864માં કચ્છમાં ભૂકંપો આવ્યા હતા. 1819ના ભૂકંપે, ખાસ કરીને કચ્છ અને કંઈક અંશે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન પહોંચાડયું હતું. તેની તીવ્રતા 7.7 થી 8.2 સુધીની હતી અને મેરકલ્લી ઇન્ટેન્સિટી સ્કેલ પર તેની મહત્તમ તીવ્રતા XI (એક્સ્ટ્રીમ) નોંધાઈ હતી. તેનાથી સુનામી આવી અને લગભગ 1,543 લોકોનાં મોત થયાં. અંજારમાં કલેક્ટર તરીકે તૈનાત અને ભૂજમાં રહેતા કેપ્ટન જેમ્સ મેકમર્ડોએ મુંબઈના ગવર્નરને મોકલેલા વિગતવાર અહેવાલોમાંથી આ ભૂકંપની અસર વિશેના વ્યાપક અહેવાલો ઉપલબ્ધ છે.ઇસ્ટ ઇન્ડિયા કંપની અને કચ્છના રાવ ભારમલજી વચ્ચેની સંધિ અનુસાર સરકારી મુદ્દાઓ ઉકેલવા માટે જેમ્સ મેકમર્ડોને ભૂજ તૈનાત કરવામાં આવ્યો હતો. કચ્છના 'બોમ્બે ગેઝેટના' વાચકોએ તેમને થયેલા પ્રત્યક્ષ અનુભવોનાં વર્ણનથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અહેવાલોની પુષ્ટિ કરી હતી. 16 જૂન, 1819ના રોજ, કેપ્ટન મેકમર્ડોએ અંજારથી અહેવાલ મોકલ્યો કે ગઈકાલે સાંજે આવેલા ભયાનક ભૂકંપમાં કિલ્લા સહિત શહેરનો મોટાભાગ નાશ પામ્યો છે, દર ચાર ઘર પૈકી માત્ર એક ઘર ઊભું જોવા મળ્યું હતું અને બધાંને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં લગભગ 100 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને ઘણાંને ઈજાઓ થઈ હતી, જેના કારણે એક સમયે ભારે સમૃદ્ધિમાં જીવતી અહીંની વસ્તી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અંગ્રેજોએ અંજાર વહીવટીતંત્રને કાટમાળ સાફ કરવામાં મદદ કરવા માટે ભૂજથી મજૂરો મોકલ્યા હતા. શહેરના 4,500 ઘરોમાંથી આશરે 1,500 સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં; બીજાં 1,000 ઘરો બરબાદ થઈ ગયાં હતાં, અને બાકીનાં 2,000 ઘરોમાંથી ઘણાં રહેવા લાયક રહ્યાં ન હતાં. ભૂકંપથી બચી ગયેલાં લોકોએ ચક્કર આવવા, ઊબકા આવવા, ધ્રુજારી અને અસ્થાયીરૂપે સંવેદના ગુમાવવા સહિત જુદી જુદી પ્રતિક્રિયાઓ નોંધાવી હતી. અન્ય લોકોએ ઘૂંટણના સાંધામાં નબળાઈ અનુભવાતી અને બેસવા કે ઊભા રહેવાને બદલે જમીન પર સૂવાની ઇચ્છા થતી હોવાનું જણાવ્યું હતું. ભૂકંપ દરમિયાન જમીનમાંથી આવેલો અવાજ ગર્જના જેવો હોવાનું જણાવવામાં આવ્યું હતું, જે તોપમારા અથવા ભારે ગાડીઓના ગડગડાટ જેવો હતો.ત્યારબાદ કેપ્ટન મેકમર્ડોએ ભુજમાં થયેલા વ્યાપક નુકસાનનો અહેવાલ મોકલ્યો જેમાં તેણે લગભગ 1,000 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું અને હજુ વધુ મૃતદેહો મળવાની દહેશત વ્યક્ત કરી હતી. ભૂજના કિલ્લા અને મહેલને ભારે નુકસાન થયું હતું, જેના કારણે તે લગભગ વસવાટ લાયક રહ્યા ન હતા, અને 7,000 ઘરો તબાહ થઈ ગયાં હતાં. રાવનો પરિવાર શહેરની બહાર તંબુઓમાં રહેતો હતો. લખપત બંદર અને ભચાઉ સહિતનાં અન્ય શહેરોમાં પણ જાનમાલનું નુકસાન થયું હતું; તેરાનો કિલ્લો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ભારે જાનહાનિ થઈ હતીઃ લખપતમાં 150 અને માંડવીમાં 116 લોકો મૃત્યુ પામ્યાં હતાં. પરંતુ સૌથી વધુ જાનહાનિ ભૂજમાં થઈ હતી. ભૂકંપને પરિણામે ઘણી કુદરતી ઘટનાઓ સર્જાઈ, જેમાંથી મોટાભાગની અલ્પજીવી હતી અને ઝડપથી શમી ગઈ. નિરીક્ષકોએ નોંધ્યું છે કે કચ્છની ઘણી નદીઓના સૂકા પટ થોડા સમય માટે તેમના કાંઠા સુધી પાણીથી ભરાઈ ગયા હતા અને જે કૂવાઓમાં અગાઉ જમીનની સપાટીથી ઘણા નીચાં સ્તરે પાણી હતું તેમાં પાણીનું સ્તર ઝડપથી વધી જતાં તે છલકાઈ ગયા હતા અને પછી તેમાં પાણીનું સ્તર ઘટયું હતું. કેટલાક મીઠા પાણીના કૂવા ખારા થઈ ગયા હતા, જ્યારે કેટલાક ખારા પાણીના કૂવા મીઠાં પાણીના કૂવામાં ફેરવાઈ ગયા હતા. કેપ્ટન મેકમર્ડોએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રણ અને બન્ની પ્રદેશનો એક ભાગ, જે સામાન્ય રીતે સૂકો રહે છે, ત્યાં અચાનક છ માઈલ પહોળું અને અઢી ફૂટ ઊંડું પાણી ભરેલું સરોવર રચાઇ ગયું હતું. થોડા કલાકોમાં જ આ પાણીનું સ્તર અડધું થઈ ગયું હતું; ભૂકંપ પછીના દિવસે જ્યારે ઘોડેસવારો આ વિસ્તાર પાર કરતા હતા, ત્યારે તેઓએ પાણીની ઉપર અસંખ્ય રેતીના શંકુ રચાયેલા જોયા હતા, જેમની ટોચ પર પાણીના પરપોટા થતા જોવા મળ્યા હતા. આ ભૂકંપને કારણે મહત્ત્વપૂર્ણ કાયમી ફેરફારો પણ થયાઃ લખપતથી 30 માઈલ ઉત્તરપૂર્વમાં રણમાં હવાનું દબાણ ઘટી ગયું. સિંધડી ખાતેની 16 માઈલ સુધીની જમીન 8-10 ફૂટ નીચે ઉતરી ગઈ, જેનાથી સ્થાનિક કિલ્લામાં પાણી ભરાઈ ગયું અને સમુદ્રમાંથી આવતા ઉછાળાને કારણે આ વિસ્તાર એક આંતરિક તળાવમાં ફેરવાઈ ગયો. આ ભૂકંપની સૌથી સ્પષ્ટ જોઈ શકાય એવી ભૂસ્તરીય અસર એ થઈ હતી કે સિંધડીની ઉત્તરે અગાઉ જ્યાં સપાટ જમીન હતી ત્યાં 80 કિમી સુધી એક 20 ફૂટ ઊંચી ટેકરી રચાઇ ગઇ જેનાથી પુરમ અથવા કોરી નદી પર એક કુદરતી બંધ બની ગયો. તે એક કુદરતી રીતે બનેલો બંધ હોવાથી તેને લોકો 'અલ્લાહ બંધ' કહેતા લાગ્યા. 1826માં, સિંધુ નદીના ઉપરવાસમાંથી આવતાં પૂરનાં પાણી નદીના કાંઠા તોડીને રણમાં ફેલાઈ ગયાં અને તેણે અલ્લાહ બંધમાં પણ ગાબડાં પાડી દીધાં. 16 થી 24 જૂન સુધી, વારંવાર પણ હળવા ભૂકંપના આંચકા આવતા રહ્યા, જેના કારણે લોકોએ દિવસ-રાત સતર્ક રહેવું પડતું. 24 જૂનની મધ્યરાત્રિની આસપાસ એક જોરદાર આંચકો આવ્યો, જેના કારણે લોકો તેમનાં ઘરોની બહાર નીકળી ગયાં. છેલ્લો ભૂકંપ સપ્ટેમ્બરમાં, એટલે કે શરૂઆતના આંચકાના ત્રણ મહિના અને સાત દિવસ પછી આવ્યો. આ સમય દરમિયાન, પ્રાણીઓ અને માણસો બંને ભયભીત હતાં; રખડું કૂતરાં પણ હાલ્યા ચાલ્યા વિના પડી રહેતાં. હવામાં ક્યારેક ક્યારેક સલ્ફ્રની તીવ્ર ગંધ અનુભવાતી. એક પોલાણમાંથી વહી આવેલાં પૂરનાં પાણી શહેરથી 40 માઇલ દૂર આવેલા એક મેદાની વિસ્તાર ઉપર ફરી વળ્યાં. રેતીની ટેકરીઓ પર લગભગ ત્રણ ફૂટ ઊંચી જ્વાળા દેખાઈ હતી, અને બીજાં એક સ્થળે એક વખતની નાની ટેકરી સપાટ થઇ ગઈ હતી. ભૂજ, અંજાર અને કચ્છનાં અન્ય શહેરોમાં આવો વિનાશ વેરનારા ભૂકંપના આંચકાઓ અમદાવાદથી સૂરત સુધીનાં, ગુજરાતની મુખ્ય ભૂમિ પરનાં તમામ મુખ્ય શહેરોમાં પણ અનુભવાયા હતા. જો કે તે એટલા ભયાનક ન હતા. લોકોને સમુદ્રના વિરાટ મોજામાં ફસાયેલાં કોઈ વહાણમાં ફંગોળાતા હોવાની લાગણી અનુભવાઈ હતી. ધ્રુજારી એટલી બધી હતી કે દરેક ક્ષણે લોકોને તેમના પગ નીચેથી જમીન ફાટી પડશે એવું લાગતું હતું. અમદાવાદ શહેરના સ્થાપક અહેમદશાહ દ્વારા બાંધવામાં આવેલી શાનદાર જુમા મસ્જિદના લગભગ 450 વર્ષથી ટકી રહેલા ગૌરવશાળી મિનારા પડી ગયા. સદનસીબે, મસ્જિદને અપેક્ષા કરતાં ઘણું ઓછું નુકસાન થયું હતું. શાહીબાગ તરફ જતા રસ્તાની ડાબી બાજુએ આવેલી બીબી અચ્યુત કૂકીની મસ્જિદને પણ નુકસાન થયું હતું. તેના મિનારાઓ તૂટી પડયા હતા અને મિનારાઓની ટોચ ઊડીને થોડે દૂર નીચે પડી ગઈ હતી, ત્યારબાદ એક પછી એક પથ્થરો ધરાશાયી થઈ ગયા હતા. ગોમતીપુર ખાતેના ઝૂલતા મિનારાઓમાં પણ તિરાડો પડી ગઈ હતી. ભદ્રના કિલ્લાના પ્રવેશદ્વારના પ્રભાવશાળી ટાવરો હચમચી ગયા હતા અને તેમાં ઘણી જગ્યાએ તિરાડો પડી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી, માત્ર થોડા નાના અકસ્માતો થયા હતા. મુસ્લિમ નાગરિકોએ, તેમના કાજી મારફ્ત, ઇસ્ટ ઈંડિયા કંપનીને અરજી કરી મિનારાઓ પુનઃસ્થાપિત કરવા જણાવ્યું અને તેમણે નોંધ્યું કે અગાઉ આ ઇમારતોની જાળવણી સુલતાનો દ્વારા કરવામાં આવતી હતી અને શહેરના લોકો સાધનસંપન્ન ન હતાં અને સમારકામ કરાવે તેવા કોઈ શ્રીમંત વ્યક્તિઓ કે અમીરો પણ નહોતા. જો કે, ઇસ્ટ ઇંન્ડિયા કંપનીએ તે વિનંતીને એવું કારણ આપીને નકારી કાઢી કે સમારકામનું ખર્ચ ઘણું વધારે થવાની સંભાવના હતી અને આ ઇમારતો ઉપયોગી હોવા કરતાં વધુ સુશોભન માટે હતી! ખેડા, વડોદરા અને ભરૂચમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. પાલનપુરમાં ગર્જના જેવો અવાજ સંભળાયો હતો. રાણપુરનો કિલ્લો લગભગ ધરાશાયી થઈ ગયો હતો. ભરૂચ, સુરત અને મુંબઈમાં પણ આવી જ અસરો જોવા મળી હતી. જો કે, ભૂજ અને અંજારમાં આવેલા ભૂકંપની અસરો ઘણી વધુ ગંભીર હતી અને તેનાં પરિણામે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. અહેવાલમાં સામાન્ય રીતે ભૂકંપની અસરોનું દુઃખદ ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું! 1956માં અંજારમાં બીજો મોટો ભૂકંપ આવ્યો. તાજેતરમાં 2001માં પણ આ જ પ્રદેશમાં ત્રીજું એક વિનાશક ભૂકંપ આવ્યો જેની વિઘાતક અસરોના આપણામાંના ઘણાંએ ભોગવવી પડી છે!

Read Full Story arrow_forward
Opinion:વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકાવવા સઘન પ્રયાસની જરૂર છે
calendar_today January 6, 2026

Opinion:વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકાવવા સઘન પ્રયાસની જરૂર છે

દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના અહેવાલો ચિંતાજનક છે. ગુજરાતમાં પણ દરરોજ કોઈને કોઈ આશાસ્પદ યુવક-યુવતી અકાળે જીવન ટૂંકાવી દે છે. મેડિકલ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ડિપ્રેશનનો ભોગ બને છે અને આત્મહત્યા સુધી પહોંચી જાય છે. હવે તો શાળાઓમાં ભણતા કિશોર-કિશોરીઓ પણ હતાશાનો કે કોઈ બ્લેક મેઇલિંગ કે ડરનો ભોગ બને છે. પરિણામે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક છે. તેને અટકાવવા માટે માત્ર શાળાઓ પ્રયાસ કરશે તે પૂરતું નથી.તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરી છે અને તેના કડક અમલ કરવા માટે કોલેજો, યુનિવર્સિટીઓ અને કોચિંગ ક્લાસિસ માટે આદેશ જાહેર કર્યો છે. થોડા સમય પહેલાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી સમિતિએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની તકેદારી રાખવા માટે શાળાઓને પણ સૂચનો કર્યા અને પાલન કરવા આદેશો જાહેર કર્યા છે. આમ, વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકાવવા સરકારના પ્રયાસ આવકારદાયક છે. પરંતુ, આત્મહત્યા પાછળ બાળકની શારીરિક અને માનસિક તંદુરસ્તી ખૂબ મહત્ત્વની છે તે દિશામાં પણ જાગૃત થવું પડે તેમ છે. માતા-પિતાએ પણ બાળકના સારા આરોગ્ય અને માનસિક સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરવા પડે તેમ છે. આમ, વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ અટકાવવા સઘન પ્રયાસની જરૂરિયાત છે. રાજ્ય સરકારે બહાર પાડેલ માર્ગદર્શિકા મુજબ કોલેજોએ વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલર રાખવા પડશે. જોગવાઈ મુજબ દર 100 વિદ્યાર્થીઓએ એક કાઉન્સિલર રાખવા ફરજિયાત છે. કાઉન્સિલર મેન્ટર બની બાળકોનું કાઉન્સિલિંગ કરશે અને કોઈ બાળક માનસિક તાણ કે ડિપ્રેશનમાં ન રહે તે માટેની કાળજી લેશે જરૂર પડે તો વાલીઓને પણ માર્ગદર્શન આપશે. સમગ્ર વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળકોનું માનસિક દબાણ ઘટાડવાનો છે. બાળક માટે સહાયક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો ઉદ્દેશ છે. ઉદ્દેશ ખૂબ સારો છે પરંતુ, શાળાઓમાં વ્યવહારુ રીતે આવી વ્યવસ્થા થઈ શકશે ખરી ? માત્ર કાઉન્સિલરો નીમવાથી આત્મહત્યા અટકી શકે તેમ લાગતું નથી. જે કોલેજમાં બેથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં મોટી સંખ્યામાં કાઉન્સિલરો રાખવા આર્થિક ભારણ બનશે કદાચ એક સારા મનોચિકિત્સક તબીબનું માર્ગદર્શન મળતું રહે તે પણ સારું પરિણામ આપી શકે છે. શાળા-કોલેજોએ બાળકના આરોગ્ય અને વર્તણૂકનો સરવે કરી આત્મહત્યાના મૂળ કારણો સુધી જવાની જરૂર છે અને તે પ્રમાણે દરેક શાળા-કોલેજ એક્શન પ્લાન બનાવી તે પ્રમાણે સઘન પ્રયાસ કરે તો આત્મહત્યાના બનાવો અટકાવી બાળકોની કારકિર્દી ઘડતર માટે વધુ સારું કામ થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ રચાયેલ ટાસ્ક ફોર્સના અવલોકન મુજબ આત્મહત્યાના કારણોમાં મુખ્ય કારણ પરીક્ષાનું દબાણ છે. પરીક્ષામાં નિષ્ફળતાના ડરથી વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે. આત્મહત્યાના કારણોમાં માત્ર પરીક્ષાનો ડર એક કારણ નથી બાળકને પરિવારનું વાતાવરણ પણ અસર કરે છે. તૂટતા કુટુંબો, માતા-પિતાના ઝઘડાઓ કે પછી એકલતા, બાળકને હૂંફનો અભાવ ડિપ્રેશનમાં ધકેલી દે છે તે ઉપરાંત મોટાભાગના બાળકો સોશિયલ મીડિયા અને સાયબર બુલિંગનો ભોગ બને છે. સોશિયલ મીડિયાને કારણે પૂરતી ઊંઘ થતી નથી, તંદુરસ્તી સારી નથી પરિણામે ભણવામાં કંટાળો અને થાક લાગે છે. વાંચેલું યાદ રહેતું નથી પરિણામે બાળક ટેન્શનમાં રહે છે. લાંબો સમય કોઈપણ ટેન્શનમાં રહે તો તે ડિપ્રેશનમાં આવે છે અને એક વખત ડિપ્રેશનમાં આવી ગયા પછી નાનકડી કોઈપણ ઘટના આત્મહત્યા કરવા પ્રેરે છે. મનોવૈજ્ઞાનિક કાઉન્સિલરો દ્વારા સમયાંતરે કાઉન્સિલિંગ કરવું બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનની વ્યવસ્થા કરવી. દરેક શાળાએ ઇમર્જન્સી સમયે ડૉક્ટર, મનોવૈજ્ઞાનિક કે કાઉન્સિલરનો સંપર્ક કરી શકે તે માટે સંસ્થામાં નોટિસ બોર્ડ ઉપર સંપર્ક નંબર મૂકવાના રહેશે દરેક શાળા-કોલેજોએ આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર (ટેલિ માનસ 14416) સંસ્થાના નોટિસ બોર્ડમાં લખવાનો રહેશે પરીક્ષા અને સારી માનસિક સ્થિતિ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની મિટિંગનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. ટૂંકમાં બાળક જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે તે દિશામાં પ્રયાસ કરવો જરૂરી છે. હજુ થોડા દિવસ પહેલાં સુરતમાં કોલેજના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીએ હોસ્ટેલ બિલ્ડિંગમાંથી આત્મહત્યા કરી લીધી તેના ઘેરા પડઘા પડયા હતા. રાજ્યમાં આવી અસંખ્ય ઘટનાઓ બને છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરને કારણે માનસિક કારણ અનુભવે છે તે વાત સાચી પણ પરીક્ષાની તૈયારી બરાબર કેમ ન થઈ શકી ? ભણવામાં ધ્યાન કેમ લાગતું નથી ? યાદ કેમ રહેતું નથી. બરાબર અભ્યાસ ન થાય અને પછી સામાજિક ડર, માતા-પિતાની અપેક્ષા અને હવે હું શું જવાબ આપીશ ? આ પરિસ્થિતિ જ બાળકોને ડિપ્રેશનમાં લાવે છે. આજે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓની શિસ્તનો અભાવ વધુ છે. ગંભીરતાપૂર્વક ભણવું નથી...ભણવામાં રસ નથી...વર્ગખંડમાં શાંતિથી બેસી શકતા નથી...શિક્ષક કે પ્રોફેસર કશું જ ઠપકા સ્વરૂપે કહી શકતા નથી...આ નબળી અને આત્મવિશ્વાસના અભાવવાળી માનસિકતાને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પરિણામ આવી શકે નહીં તમામ પરિપત્રોના આદેશો માત્ર પેપર વર્ક બનીને રહી જશે શાળા-કોલેજો સરકારના આદેશો અને બાળકોના વર્તન વચ્ચે માત્ર વ્યથા અનુભવી લાચાર સ્થિતિમાં માત્ર પ્રયત્ન કરે છે. અસરકારક પરિણામ માત્ર ગાઈડલાઈન આપી દેવાથી મળે તેમ નથી આત્મહત્યાનું મૂળ જાણવા ઉપરાંત શાળા-કોલેજના સંચાલકો આચાર્યોની સાથે ચર્ચા કરી તેમની પાસેથી જ સૂચનો મંગાવી સઘન પ્રયાસ કર્યા વિના છૂટકો જ નથી. આજકાલ તો માતા-પિતા મોબાઈલ વાપરવાની ના પાડે કે પ્રવાસે જવાની ના પાડે કે અભ્યાસ અંગે ઠપકો આપે તો આત્મહત્યા કરે છે. તેવી ઘટનાઓ બની રહી છે. બાળકોમાં સમજણ અને સહનશક્તિ નબળી થતી જાય છે. શિક્ષણ એ માણસના જીવન ઘડતર માટે છે. ત્યારે શિક્ષણ આત્મહત્યાના વિચારો આવે તેવી પરિસ્થિતિ વાળું ન હોવું જોઈએ...પાઠય પુસ્તકોની સાથે જીવનલક્ષી કેળવણી અને મનોજગત ને કેળવે તે પ્રકારે શિક્ષણ વ્યવસ્થા કરવાની જરૂર છે. ભાર વગરના ભણતરમાં માત્ર દફતરનો ભાર ઘટાડવો કે પરીક્ષાનું પેપર હળવું કરવું તે માત્ર ઉપાય નથી...અને હવે તો બોર્ડની પરીક્ષામાં મહત્તમ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની યોજના પણ આત્મહત્યા અટકાવવાનો ઉપાય નથી...માત્ર ઓફિસમાં બેસીને સનદી અધિકારીઓ સરકારની જવાબદારી નિભાવવા પરિપત્રો કાઢી નાખે તેટલું કરવાથી માત્ર સમાચારોમાં સારું લાગે છે પરંતુ વાસ્તવમાં શાળા કોલેજોના વર્ગખંડમાં કોઈ ફરક જણાતો નથી. આત્મહત્યા નિવારણના કાયમી ઉકેલ માટે ચિંતન અને ચર્ચા કરવાનો સમય પાકી ગયો છે. આત્મહત્યાના દેખીતા કારણો અનેક હોય છે. કોઈ ડર, પરીક્ષામાં નાપાસ થવાનો ભય, આર્થિક કારણો, સામાજિક કારણો, ખોટા માન-અપમાન જેવી બાબતો કે પછી કારકિર્દી ઘડતર માટે નિરાશા હોય પણ આ બધા જ કારણોના અંતે ઊભી થતી માનસિક એકલતા, હું કંઈ કશુ કરી શકું તેમ નથી, મારું હવે કોઈ નથી. આવું જીવીને શું કરું ? હું હવે થાકી ગયો છું ? આના કરતાં મરી જવું સારું...વગેરે વિચારોનું વમળ આત્મહત્યાનું મૂળ કારણ છે. બાળકના મનને કેન્દ્રમાં રાખી તેને ભણાવવું તે ખરી કેળવણી છે. આત્મહત્યાનું એક પરિબળ એ જીવન મૂલ્યોનો વિરોધાભાસ પણ છે. નવી પેઢી બહાર જુદું જીવે અને ઘરમાં જુદું જીવે...ધીરે-ધીરે પરિવારથી ડરી બધા પોતાની રીતે જીવવા લાગે...એનું માનસિક દબાણ વિદ્યાર્થીઓને માનસિક નબળા પાડે છે. દુનિયામાં સફળ વ્યક્તિઓ કરતા નિષ્ફળ વ્યક્તિઓ વધુ છે. જેથી કોઈ પણ નિષ્ફળતાનો ભય એ આત્મહત્યાનું કારણ બનવું જોઈએ નહીં આત્મહત્યા કરતા પહેલા લખેલી નોંધ એ છેલ્લો તબક્કો છે. ચિઠ્ઠીમાં લખેલ કારણ એ એકમાત્ર કારણ કહી શકાય નહીં આ માટે આત્મહત્યાનું વિજ્ઞાન સમજવાની જરૂર છે. કાનમાં કહું...? શ્રેષ્ઠ જીવવું તે જીવન યાત્રાનું લક્ષ્ય છે, સફળતા-નિષ્ફળતા માત્ર તેના પડાવ છે.

Read Full Story arrow_forward
Ahmedabad:સરદારનગરમાં મહિલા પોલીસકર્મી સાથે યુવતીએ ઝપાઝપી કરી બચકું ભરી લીધું
calendar_today January 6, 2026

Ahmedabad:સરદારનગરમાં મહિલા પોલીસકર્મી સાથે યુવતીએ ઝપાઝપી કરી બચકું ભરી લીધું

સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સાથે મહિલાએ ઝપાઝપી કરી. ફરજમાં રુકાવટ બદલ એક મહિલા વિરુદ્ધ એરપોર્ટ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, સરદારનગર પોલીસ સ્ટેશન એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાથી ત્યાં ગુનો નોંધાયો છે.સરદારનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન પટેલ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. આ દરમ્યાન એક કેસમાં અટકાયત કરવામાં આવેલ મહિલા આરોપી બબીતા ઉર્ફે સોનિકા તમંચેને મળવા માટે તેની બે પુત્રીઓ, મહેક અને સંજના, પોલીસ સ્ટેશન આવી હતી. ઠંડી હોવાથી તેઓ માતા માટે ઘરેથી ચાદર લઈને આવી હતી. જે ચાદર કોન્સ્ટેબલ પૂજાબેને મહિલા આરોપીને આપવા નક્કી કર્યું, પરંતુ તેમણે ચાદરની તપાસ કરી ત્યારે ચાદરની ગડીમાં છૂપી રીતે પાન-મસાલા અને ગુટકા મળી આવી હતી. મહિલા પોલીસે પાન-મસાલા આપવાની ના પાડતા મહેકે ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં જ બિભત્સ ગાળો બોલવા લાગી હતી. બાદમાં મહેકે અચાનક પી.એસ.ઓ. ટેબલની અંદર ઘુસી ગઈ અને પૂજાબેનના વાળ ખેંચ્યા હતા. આ હંગામો જોઈ સ્ટેશનનો અન્ય સ્ટાફ પૂજાબેનને છોડાવવા વચ્ચે પડયો હતો. આ દરમ્યાન મહેકે વુમન પોલીસ કોન્સ્ટેબલ વંદનાબેનને આંગળી પર બચકું ભરી લીધું હતું અને અન્ય કર્મચારીઓ કિંજલબહેન તથા પી.એસ.ઓ. ગોવિંદભાઈને નખ મારીને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવ્યા બાદ મહેક *હું મરી જઈશ અને તમને બધાને ફ્સાવી દઈશ* તેવી ધમકી આપી ત્યાંથી જતી રહી હતી. આ અંગે પૂજાબેને મહેક ધર્મેશભાઈ તમંચે સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward