Panchmahal:બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓની દુર્ગંધથી પરેશાની
બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓ નાખતા અવરજવર કરતા રહીશોને ભારે દુર્ગંધને લઇ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.લઢોદથી ધારોલી ગામ તરફ જતા મુખ્ય માર્ગની બાજુ મૃત પશુઓ નાખી જવાના સતત બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. માર્ગની સાઈડમાં મૃત પશુઓ ફેંકી દેવાતા હોવાને રખડતા કૂતરા તેમજ અન્ય પક્ષીઓ ત્યાં આવીને પશુઓના અવશેષો ખેંચી બગાડ કરે છે. ત્યાર બાદ તે જ શ્વાન અને પંખી ગામમાં આંટાફેરા મારતા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મૃત પશુને કારણે રોડ પર તથા વિસ્તારોમાં માખી-મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ માર્ગ પરથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓને એટલી તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે કે, કેટલાક લોકોને ઉલટી થવાના બનાવો પણ સામે આવ્યા છે. મુખ્યત્વે શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને આ પરિસ્થિતિને લઈ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ગ્રામજનોનું વધુમાં કહેવું છે કે ખુલ્લામાં મૃત પશુઓ પડયા રહેતા હોવાને કારણે રોગચાળો ફેલાવાનો મોટો ભય સતાવી રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ આ પરીસ્થિતિ અત્યંત જોખમી બની હોવા છતાં સંબંધિત તંત્ર તથા સ્થાનિક જવાબદારોએ હજુ સુધી કોઈ નક્કર પગલા ન લીધા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યાં છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ લઢોદ અને ધારોલી બંને ગામના સરપંચો તથા પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે. આગેવાનોનું કહેવું છે કે, જ્યારે પણ કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેને ખુલ્લામાં રોડની સાઈડમાં ફેંકી દેવાને બદલે JCB મશીન દ્વારા મોટો ખાડો ખોદી નિયમસર દફ્નાવવામાં આવે તેવી કાયમી અને વ્યવસ્થિત સિસ્ટમ ગોઠવવા માગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward