શૂલપાણેશ્વર અભયારણ્યમાં ખીલી ઉઠયો ગોવલા ઘાટનો ધોધ
નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની સગાઈ રેન્જમાં સામરઘાટ ગામ નજીક ગોવલી ઘાટ ધોધ ચોમાસામાં યુવાન સ્વરૂપે નિર્મળ સ્વચ્છ શ્વેતિમા ધારણ કરીને બગલા ખાડી પરથી પહાડોની વચ્ચેથી નીચે પડતું પાણી એક પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જે આસપાસની લીલીછમ ગાઢ વનરાજી વચ્ચે પ્રવાસી અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.સ્થાનિકોના જણાવ્યાં મુજબ, ગોવલી ઘાટ દેવમોગરા માતાના મંદિરથી અંદાજે 5થી 6 કિ.મી અને દેડિયાપાડાથી અંદાજે 18થી 19 કિ.મીના અંતરે, ગંગાપુર રાઉન્ડ અને મોરજરી રાઉન્ડની બોર્ડર નજીક આવેલ છે. ચોમાસામાં અહીં ધોધનો પાણીનો પ્રવાહ વધતાં કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠયું છે. સ્થાનિક માન્યતા મુજબ, આ સ્થળનું નામ ગાયો સાથે જોડાયેલ હોવાને કારણે ગોવલી ઘાટ પડયું હોવાનું કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ધાર્મિક લાગણી પણ આ સ્થળ સાથે સંકળાયેલી હોવાનું સ્થાનિકો જણાવે છે. તેથી આ સ્થળ કુદરતી સૌંદર્યની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે. તાજેતરમાં ચોમાસામાં ડુંગરો વચ્ચેથી વહેતાં ધસમસતા પાણીનો નજારો અને ગાઢ લીલીછમ વનરાજી જમ્મુ અને કાશ્મીરની યાદ તાજી કરે છે. આસપાસના ગામોના લોકો ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ પણ ગોવલી ઘાટના સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે. ગોવાલી ધોધનું સૌંદર્ય આકર્ષક હોવા છતાં પાણીની ઊંડાઈ અને તેજ પ્રવાહને કારણે અહીં બેદરકારી જોખમી બની શકે છે. પ્રવાસીઓએ ધોધની નજીક તથા ઊંડા પાણીમાં જવાનું ટાળવું અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ગોવલી ઘાટ ખાતે યોગ્ય ઇકો-ટુરિઝમ સુવિધા અને પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરાય તો નર્મદા જિલ્લામાં પ્રવાસન સ્થળ તરીકે મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward