android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mansa : રખાયેલા 5 પશુને મુક્ત કરાવાયા
calendar_today October 21, 2026

Mansa : રખાયેલા 5 પશુને મુક્ત કરાવાયા

માણસા તાલુકાના ઇટાદરા ગામના રજવીપુરા વિસ્તારમાં ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલા પાંચ પશુઓને બચાવાયા છે. પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરવામાં આવતી હોવાની બાતમીના આધારે માણસા પોલીસે કાર્યવાહી કરી કરી હતી. જેમાં પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી અપાયા હતા અને બે શખ્સો વિરુદ્ધ પશુક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે સાંજે માણસા તાલુકાના ઇટાદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઇટાદરાના રજવીપુરાથી ઇન્દ્રપુરા ગામ તરફ્ જતા રસ્તા પર રહેતા આદિલહુસેન ઝાકીરહુસેન બેલિમ અને ઝાકીરહુસેન નજરમિયા બેલિમ પોતાના રહેણાક મકાનની બાજુમાં આવેલી ઓરડીમાં પશુઓને હલનચલન ન કરી શકે તેવી રીતે બાંધી રાખી ક્રૂરતા આચરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં ઓરડીમાં ગાયો અને વાછરડાં સહિત કુલ પાંચ પશુઓ ટૂંકા દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. પશુઓને સાંકડી જગ્યામાં એકબીજાની નજીક બાંધી રાખવામાં આવ્યાં હતાં તેમજ તેમના માટે ખોરાક અને પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. જેથી પોલીસે પાંચેય પશુઓને હસ્તગત કરી માણસા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યાં હતાં. આ અંગે માણસા પોલીસ દ્વારા બંને શખ્સો વિરુદ્ધ પશુઓ પ્રત્યેક્રૂરતા નિવારણ કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mansa : વરસોડામાં ગરબામાં સાઉન્ડ વગાડવા બાબતે થયેલા ઝઘડામાં ખેડૂત પર ફાયરિંગ
calendar_today October 21, 2026

Mansa : વરસોડામાં ગરબામાં સાઉન્ડ વગાડવા બાબતે થયેલા ઝઘડામાં ખેડૂત પર ફાયરિંગ

માણસા તાલુકાના વરસોડા ગામે નવરાત્રિ દરમિયાન ગરબામાં સાઉન્ડ વગાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પગમાં ગોળી વાગતા ગામના અરવિંદસિંહ હિંમતસિંહ ચાવડાને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માણસા પોલીસે નામજોગ ચાર આરોપીઓ સહિત કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માણસા તાલુકાના વરસોડા ગામે અંબાજી માતાના મંદિર પાસે ત્રણ માઢ વિસ્તારમાં રહેતા અરવિંદસિંહ હિંમતસિંહ ચાવડા ખેતીકામ કરે છે. તેમના ભત્રીજા વિપુલસિંહનું સાઉન્ડ ગામમાં નવરાત્રિના ગરબા દરમિયાન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ગત રવિવારે રાત્રે સાઉન્ડ વગાડવા બાબતે વિપુલસિંહને વરસોડા ગામના જ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા, જયદીપસિંહ રમણસિંહ ચાવડા, આદિરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડા અને રાહુલસિંહ જીવણસિંહ ચાવડા સાથે ઝઘડો થયો હતો. આ ઘટનાના અનુસંધાને ગઈકાલે સાંજે ચારેય શખ્સો ગામની ડેરી પાછળ ભેગા થયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે, ચારેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે અરવિંદસિંહ પોતાના ઘરે હાજર હતા, ત્યારે બહાર હોબાળો થતાં તેઓ બહાર આવ્યા હતા. તે વખતે દિગ્વિજયસિંહના હાથમાં બંદૂક, જયદીપસિંહ અને રાહુલસિંહના હાથમાં ધારિયાં તથા આદિરાજસિંહના હાથમાં લોખંડની પાઇપ હતી. આ ઉપરાંત અન્ય ચાર અજાણ્યા શખ્સો પણ લોખંડની પાઇપો અને ધારિયાં સાથે હાજર હતા. દિગ્વિજયસિંહે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં અરવિંદસિંહને એક ગોળી પગમાં વાગી હતી. ઘટનાને પગલે ભારે હોબાળો મચી જતાં તમામ આરોપીઓ અરવિંદસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરવિંદસિંહને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે, મુખ્યસુત્રધાર દિગ્વિજયસિંહ ચાવડા સામે અગાઉ ભૂસ્તર અધિકારીઓનો ફિલ્મી ઢબે પીછો કરીને ડરાવવાના પ્રયાસ અંગે પણ ગુનો દાખલ થયેલો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad : મેઘરજના ઝરડા ગામે ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ : 25.26 લાખના મુદ્દામાલ સાથે 1 ઝબ્બે
calendar_today October 21, 2026

Bayad : મેઘરજના ઝરડા ગામે ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ : 25.26 લાખના મુદ્દામાલ સાથે 1 ઝબ્બે

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું ઉત્પાદન, વપરાશ, વેચાણ કરતા અસામાજિક તત્વો વિરૂદ્ધ જિલ્લા પોલીસે સકંજો કસ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે મેઘરજ તાલુકાના ઝરડા ગામે દરોડો પાડીને ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ખેતરમાં શાકભાજી અને અન્ય પાકોના વાવેતરની આડમાં કરેલા ગાંજાનું વાવેતર ઝડપી પોલીસે રૂ.25 લાખ ઉપરાંતના 50 કિલો ઉપરાંતના નશાકારક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મેઘરજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા ઝરડા ગામે એક શખ્સ દ્વારા પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ દ્વારા સરકારી પંચો, એફ્એસએલના અધિકારી તેમજ વિડિયોગ્રાફરને સાથે રાખીને ઝરડા ગામે આવેલા ખેતર પર રેઈડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે દરોડો પાડયો ત્યારે આરોપીના કબ્જા ભોગવટાવાળા ખેતરમાં હળદર, આદુ, રીંગણ જેવા પાકોની આડમાં છુપી રીતે વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવ સ્થળ પર હાજર રહેલા એફ્એસએલ અધિકારી દ્વારા છોડનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવતાં તે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસની કાર્યવાહી દરમિયાન ખેતરમાંથી વગર પાસ-પરમિટ અને ગેરકાયદેસર રીતે ઉગાડેલા લીલા ગાંજાના કુલ 360 છોડ મળી આવ્યા હતા. આ લીલા છોડનું કુલ વજન 50.520 કિલોગ્રામ થયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ.25,26,000 થવા જાય છે. આ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મળીને રૂ.25,26,500નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. પોલીસે સ્થળ પરથી જ આરોપી રાજેશ મેઘાભાઇ મેણાત (ઉં.વ.40, રહે. ઝરડા, તા. મેઘરજ, જી. અરવલ્લી)ને ઝડપી પાડયો હતો. આરોપી વિરૂદ્ધ મેઘરજ પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફીક સબસ્ટન્સીસ એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ માદક પદાર્થ તે કઈ જગ્યાએ વેચાણ અર્થે મોકલવાનો હતો અને કોણ કોણ આ નેટવર્કમાં સંકળાયેલું છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward