Palanpur: SRP જૂથ-3 મડાણા ખાતે DGP કપ ખો - ખોની ટુર્નામેન્ટમાં ફાઈનલ સંપન્ન
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ખેલદિલી, શારીરિક સજ્જતા અને પરસ્પર સમન્વયની ભાવના સુદ્રઢ કરવાના આશયથી આયોજિત ગુજરાત પોલીસ ડીજીપી કપ 2026 અંતર્ગત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-3, મડાણા ખાતે કબડ્ડી કલસ્ટરની સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના ભાગરૂપે ખો-ખો રમતની પુરુષ અને મહિલા વિભાગની અત્યંત રોમાંચક ફાઈનલ મેચો યોજાઈ હતી. આ તકે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમ દરમ્યાન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ મેદાનમાં સિક્કો ઉછાળીને ફાઈનલ મુકાબલાની વિધિવત શરૂઆત કરાવી હતી તેમજ ખુરશી ગ્રહણ કરી જીવંત મેચ નિહાળતા પોલીસ જવાનો અને રમતપ્રેમી દર્શકોનું મનોબળ પુરું પાડયું હતું. રમતગમતની સાથોસાથ મંત્રીએ જૂથ-3 મડાણાના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ યુનિટ દ્વારા પ્રદર્શિત આપત્તિ વ્યવસ્થાપન સાધન-સામગ્રી અને ફિલ્ડ કામગીરીના એક્ઝિબિશનનું ઝીવણટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કુદરતી કે માનવસર્જિત હોનારતો સમયે રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક ગિયર ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈમરજન્સી લાઈટિંગ સિસ્ટમ અંગે મંત્રીએ ઉપયોગી ટેકનિકલ સૂચનો આપ્યા હતા અને પોતાના વહીવટી અનુભવના આધારે ડિઝાસ્ટર ટીમને કટોકટીની પળોમાં ત્વરિત કામગીરી માટે પ્રેરક માર્ગદર્શન પુરું પાડયું હતું. ખેલ પ્રદર્શન વચ્ચે રમાયેલી મહિલા ખો-ખો ફાઈનલમાં અમદાવાદ રેન્જ સામે શાનદાર રણનીતિ અને ઝડપ દર્શાવી વડોદરા રેન્જની મહિલા ટીમ વિજેતા બની હતી. જ્યારે પુરુષ વિભાગના રોમાચંક ફાઈનલ જંગમાં આર્મડ યુનિટ અને જેલ વિભાગ આમને-સામને ટકરાયા હતા જેમાં શરૂઆતથી જ દબદબો જાળવી રાખીને આર્મડ યુનિટની ટીમે ચેમ્પિયન ટ્રોફિ પોતાને નામ કરી હતી. મેચની પૂર્ણાહુતિ બાદ સેનાપતિ દિનેશસિંહ ચૌહાણ દ્વારા વિજેતા ટીમોને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આઉપરાંત મદદનીશ સેનાપતિ આર.એલ. ડાંખરા દ્વારા મડાણા પધારેલી ખો-ખો મેચની ટેકનિકલ ઓફિશિયલ ટીમને મોમેન્ટો અર્પણ કરી, સમગ્ર સ્પર્ધાનું સુચારુ અને પારદર્શક સંચાલન કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ પોલીસ વાયરલેસ ઈન્સ્પેક્ટર રા.અ.પો.દળ, જૂથ-3 મડાણા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward