Palanpur: માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં ભારે ઉછાળાથી ખેડૂતોમાં ખુશી
પાલનપુર માર્કેટયાર્ડમાં આ વર્ષે મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ચેહરા પર ખુશી જોવા મળી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં બજારમાં ઘણા સારા ભાવ મળી રહ્યા હોવાથી દિવાળીના તહેવાર ટાણે ખેડૂતોને મોટી આર્થિક રાહત મળી છે.ચાલુ વર્ષે અનિયમિત વરસાદ અને અછત વચ્ચે પણ પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીના ઉત્પાદન અને બજાર ભાવને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલનપુર એપીએમસી ખાતે મગફળીની આવક જોરશોરથી ચાલી રહી છે અને ખેડૂતોને તેમની ઉપજના ઉત્તમ ભાવ મળી રહ્યા છે. એપીએમસીના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદભાઈ ચૌધરી અને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર પાલનપુર માર્કેટ યાર્ડમાં જુદી જુદી જાતની મગફળીના ભાવ 37 નંબર મગફળીના પ્રતિ મણના રૂા. 1450થી 1650, મીનાક્ષી મગફળી રૂા.1500 થી 1900 અને 24 નંબર મગફળી રૂા.1600 થી 2000 સુધી ભાવ છે. ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 રૂપિયાની આસપાસ હતા જે આ વર્ષે વધીને 1500 થી 2000 સુધી પહોંચી ગયા છે. આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે મગફળીનું કુલ વાવેતર અને ઉત્પાદન મર્યાદિત રહ્યું છે પરંતુ જે પણ ઉત્પાદન આવ્યું છે તેની ગુણવત્તા ખુબ જ સારી છે અને બજારમાં તેની નિકાસ તેમજ માંગ પણ ઉત્તમ છે. અત્યાર સુધીમાં પાલનપુર માર્કેટયાર્ડમાં કુલ 5.15 લાખ બોરી મગફળીની આવક થઈ ચુકી છે જ્યારે દેનિક આવક અંદાજે 45 હજાર બોરીની છે. સરકારના 1533 રૂપિયાના ટેકાના ભાવ સામે ખુલ્લા બજારમાં ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એપીએમસી દ્વારા હરાજીની પ્રક્રિયા પારદર્શક રીતે ચલાવવામાં આવી રહી છે. જેથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને વ્યાજબી નાણાં મળી રહે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward