android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Padra : પાદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્રપૂજન
calendar_today October 25, 2026

Padra : પાદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્રપૂજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાદરા નગરના પશ્ચિમ મંડળની ગાયત્રી વસતી અને સાંઈ વસતીનો વિજયાદશમી ઉત્સવ આજરોજ સ્ટેશન રોડ સ્થિત સયાજીબાગ ખાતે મૃત્યુંજય શાખામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૂના-નવા સ્વયંસેવકો તેમજ સંઘવિચાર સાથે જોડાયેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ઉત્સવમાં ડૉ. સંદીપ ખૂટ અને વેપારી વિજય પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય વક્તા તરીકે વડોદરા વિભાગના વ્યવસ્થા પ્રમુખ ઋષિરાજ વ્યાસ તથા જિલ્લા સદભાવના પ્રમુખ જીગર પંડયા ઉપસ્થિત રહ્યાં હતા. નગર અને તાલુકાના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમની વ્યવસ્થાઓ સંભાળાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વયંસેવકો દ્વારા શારીરિક વ્યાયામ અને યોગનું પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ અમૃત વચન, વ્યક્તિગત ગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય વક્તા ઋષિરાજ વ્યાસે જણાવ્યું હતું કે, માનવીની આંતરિક અને બાહ્યશક્તિઓનો વિકાસ યોગ દ્વારા થાય છે. જે વ્યક્તિને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ બને છે. આ શક્તિઓનો ઉપયોગ દેશ, ધર્મ અને સંસ્કૃતિની સેવા માટે થાય ત્યારે તે શક્તિનો સાચો સદ્ઉપયોગ ગણાય છે. માત્ર જિમમાં કસરત કરીને કે સિક્સ પેક બનાવીને શારીરિક શક્તિ કેળવવી એ જ શક્તિની સંપૂર્ણ વ્યાખ્યા નથી. પરંતુ આંતરિક શક્તિ અને સંસ્કારોનું ઘડતર પણ એટલું જ મહત્ત્વનું છે. અંતે પરંપરાગત શસ્ત્રપૂજન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar : ઉખરલા-માળનાથ માર્ગ ઉપર ઝાડીમાંથી યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો
calendar_today October 25, 2026

Bhavnagar : ઉખરલા-માળનાથ માર્ગ ઉપર ઝાડીમાંથી યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો

ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર વહેલી સવારે ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ નજીક બાઈક પણ મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે મૃતક યુવાનના ભાઈએ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ કરી છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર આજે વહેલી સવારે રોડની સાઈડમાં આવેલી ઝાડી-ઝાંખરામાં એક યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા વરતેજ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકનો કબજો સંભાળી સર.ટી. હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે સ્થળ પરથી મૃતકનું બાઈક મળી આવતા પોલીસે કબજે લીધુ હતું. પોલીસ તપાસ દરમિયાન મૃતક મુન્નાભાઈ હિમતભાઈ ડાભી (ઉ.વ 29, રે. હાલ. ઘોઘારોડ, મુળ. ખડસલિયા ગામ) હોવાનું ખુલ્યુ હતું. યુવાનનું મોત કયા સંજોગોમાં થયું, તે અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે. તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ અંગે મૃતક યુવાનના ભાઈ દિપકભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે પ્લમ્બિંગનું કામ કરતો હતો અને તેને છ વર્ષનું બાળક પણ છે. ગતરાત્રે તેમનો ભાઈ પૈસાની ઉઘરાણી બાબતે ઘરેથી બહાર ગયો હતો, જે દરમિયાન આ ઘટના બની હોવાનું પરિવારજનોનું માનવું છે. પ્રાથમિક રીતે આ બનાવ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી દિપક ડાભીએ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar : શામપરા (ખો)ના વેપારી પાસે શખસોએ રૂા 20 લાખની ખંડણી માંગી ધમકી આપી
calendar_today October 25, 2026

Bhavnagar : શામપરા (ખો)ના વેપારી પાસે શખસોએ રૂા 20 લાખની ખંડણી માંગી ધમકી આપી

ભાવનગરના શામપરા ગામની સીમમાં કંપનીના કામકાજને લઈ વેપારી પાસે બે શખસે રૂા.20 લાખની ખંડણી માંગી ધાક ધમકી આપતા વેપારી પોલીસ મથક પહોંચ્યા હતા જ્યા જિ.પ.ના પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત ત્રણ શખસ પહોંચી વેપારીને ધમકાવતા પોલીસે બે શખસની ધરપકડ કરી લઈ જુદા જુદા બે ગુના દાખલ કર્યા હતા. જિ.પ.ના પૂર્વ વિરોધ પક્ષના નેતા સામે કાર્યવાહી થતા કોગ્રેસના કાર્યકરો વરતેજ પોલીસ મથક દોડી ગયા હતા અને ધરણા-સુત્રોચ્ચાર કર્યા બાદ ગૃહ મંત્રી, કૃષી મંત્રીના પુતળા દહન કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રૂપાણી સર્કલ આદર્શ ટેનામેન્ટમાં મકાન નંબર 9માં રહેતા અને શામપરા (ખો) ગામની સીમમાં કાસ્ટોરા ફોર્મ ટેક નામની કંપની ચલાવતા વેપારી ઋત્વિકભાઈ ગિરીશભાઈ પટેલે વરતેજ પોલીસ મથકમાં મેણસુર ગોવિંદભાઈ ડાંગર અને શાર્દુલ હકુભાઈ કુવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સવારના 11 વાગ્યાના સુમારે બન્ને શખસ તેમની કંપનીના ગેટ પાસે આવીને અપશબ્દો બોલતા હતા અને કંપની બહાર રોડ સરખો કરવા લાવેલા જેસીબી મશીનને કામ કરતા અટકાવ્યું હતું. જેથી તેઓ આ અંગે વાત કરવા જતા બન્ને શખસે અમારી મંજૂરી વગર કામ કેમ કરો છો તેમ કહી ઝપાઝપી કરી હતી. અગાઉ 10,000 રૂપિયા રોકડા આપ્યા હોવા છતાં બન્ને શખસે તેમની પાસે વધુ 20 લાખ રૂપિયાની ખંડણી માંગી જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશું અને કંપનીનું કામકાજ બંધ કરાવી દેશું તેવી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે પોલીસે બન્ને શખસ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 308(5), 115(2), 352, 351 (3), 54 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જ્યારે વેપારી ઋત્વિકભાઈ ગિરીશભાઈ પટેલ વરતેજ પોલીસ મથકમાં ફરીયાદ કરવા પહોંચ્યા તે વેળાએ પાછળથી તાલુકા પંચાયતના સદસ્ય હીતેષ મેણસુરભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા બળદેવ માવજીભાઈ સોલંકી અને જીતુભા મોરી ઉર્ફે જાડેજા (રહે.વરતેજ ગામ તા.જી.ભાવનગર) કાવતરૂ રચી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે આવી તેમની સાથે બોલાચાલી કરી તેમની વિરૂધ્ધ છેડતીની ખોટી ફરીયાદ લખાવીશુ તેમ કહી આ ત્રણેય જણા અભદ્ર ભાષા બોલી તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ વેપારી ઋત્વિકભાઈ ગિરીશભાઈ પટેલે હિતેષ મેણસુરભાઈ ડાંગર, જિં.પં.ના વિરોધ પક્ષના પૂર્વ નેતા બળદેવ સોલંકી અને જિતુભા મોરી સામે ફરીયાદ આપતા પોલીસે બીએનએસ એક્ટ 61(2), 352,351(3), 296(b), 54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા બળદેવ સોલંકી તેમજ કરદેજ બેઠકના તાલુકા પંચાયતના સભ્ય હિતેશભાઈ ડાંગર સામે અટકાયતી કાર્યવાહી કરી હતી. આ ઘટનાને પગલે મોડી રાત્રીના કોંગ્રેસના શહેર પ્રમુખ મનહરસિંહ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ સહિત કોંગ્રેસી કાર્યકરો તેમજ ક્ષત્રિય, કોળી અને આહિર સમાજના આગેવાનો વરતેજ પોલીસ મથકે પહોંચ્યા હતા. દરમિયાન આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વરતેજ પોલીસ મથકની બહાર વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કર્યું હતું અને વરતેજ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ પોલીસ મથકના પરિસરમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી ગૃહમંત્રી તેમજ કૃષિ મંત્રી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉક્ત બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward