android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudepur : સુસ્કાલ ગામે પિતાએ માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારતા ચકચાર
calendar_today October 25, 2026

Chhotaudepur : સુસ્કાલ ગામે પિતાએ માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારતા ચકચાર

પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામમાં એક પિતાએ માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારી પોતે ગળા પર બ્લેડ મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાની ચકચારી ઘટના સામે આવી છે.પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામના તેર ફ્ળિયામાં રહેતા જયેશ લાલા નાયકા બપોરે ત્રણેક વાગ્યે ઓરસંગ નદીના પટમાં બેઠો હતો. ત્યારે ગામના આગેવાન અશોક નાયકા નદીમાં શાકભાજી કરી હોવાથી ત્યાં ગયા હતા. ત્યારે જયેશને નદીમાં બેઠેલો જોઈને તેની પાસે ગયા હતા. નજીક જતાં જયેશના ગળામાંથી લોહી નીકળતું હતું. અને હાથમાં બ્લેડ પકડેલી હતી. ત્યારે જયેશે અશોકભાઈને નજીક નહી આવવાનું કહીને કહ્યું હતું કે, મારે જીવવું નથી. તેમ કહેતા અશોકભાઇએ અન્ય લોકોને ફોન કરીને બોલાવ્યા હતા. અને 108 ને પણ ફોન કર્યો હતો. 108 આવતા જયેશને કેમ બ્લેડ મારી છે તેમ પૂછતા તેણે ટેન્શનમાં આવી ગયો છું. મેં મારા 8 વર્ષના છોકરાંને ગળું દબાવીને મારી નાખીને પાણીમાં નાખી દીધો છે. અને મારે પણ જીવવું નથી. તેમ કહેતા હાજર લોકોએ પાણીમાં તપાસ કરી હતી. અને 8 વર્ષીય બાળકને દોરડાની મદદથી બહાર કાઢયો હતો. પરંતુ 8 વર્ષીય બાળક મૃત્યુ પામ્યો હતો. દરમિયાન 112 ને પણ ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચીને બાળકની લાશનો કબજો મેળવી પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જ્યારે બ્લેડથી ગંભીર રીતે ઇજા પામેલ જયેશને પાવી જેતપુર અને ત્યારબાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જયેશની પત્ની ચાર વર્ષ પહેલા છૂટાછેડા લઈને જતી રહી હતી. જયેશને એક પુત્ર અને પુત્રી હતા. જેમાંથી દીકરી જયેશના માતાપિતા સાથે કાઠિયાવાડમાં મજૂરી અર્થે તેમની સાથે રહેતી હતી. જયેશ માનસિક રીતે પડી ભાંગતા પોતે પોતાના 8 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી અને પોતે ગળાના ભાગે બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પાવી જેતપુર પોલીસે પિતા જયેશ સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra : પાદરા નગરની ઝેન સ્કૂલમાં આફ્ટર નવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઇ
calendar_today October 25, 2026

Padra : પાદરા નગરની ઝેન સ્કૂલમાં આફ્ટર નવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઇ

પાદરા ઝેન સ્કૂલ દ્વારા ગતરોજ રાત્રે આફ્ટર નવરાત્રીની ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. પરંપરા, સંસ્કાર, વિજ્ઞાન અને સ્વાવલંબનના સમન્વય સાથે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ ઉજાગર કરવાની સાથે બાળકોના સર્વાંગી વિકાસનો સંદેશ અપાયો હતો.ઝેન સ્કૂલનાં શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું કે નવરાત્રિ માત્ર ઉત્સવ નથી, પરંતુ શક્તિ, સમર્પણ, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાની આરાધના છે. ગરબો માત્ર નૃત્ય નહીં, પરંતુ લય, ગતિ, ઊર્જા અને સામૂહિક એકતાનું પ્રતીક છે. ગરબાના વર્તુળાકાર નૃત્ય દ્વારા પરસ્પર જોડાણ, સતત ગતિ અને સામૂહિક શક્તિનો સંદેશ મળે છે. પરંપરા અને વિજ્ઞાનના આ સમન્વયથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સમજણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો ઉદ્દેશ રખાયો હતો. ઉત્સવનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થી દ્વારા ઊભા કરેલ વિવિધ સ્ટોલ રહ્યા હતા. બાળકોમાં આર્થિક સ્વાવલંબન, વ્યવહારુ જ્ઞાન, જવાબદારી અને આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી આ પહેલ કરાઇ હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ આત્મનિર્ભર બનવાની પ્રેરણા અપાઇ હતી. કાર્યક્રમની સફ્ળતા બદલ શાળાના ચેરમેન કિરણ વૈદ્ય, મેનેજિંગ ટ્રસ્ટી ધ્રુવ વૈદ્ય, ટ્રસ્ટી વશિષ્ઠ વૈદ્ય અને મેઘ વૈદ્ય સહિત સમગ્ર ઝેન પરિવાર તથા કાર્યક્રમમાં અથાગ પરિશ્રમ કરનાર કર્મચારીઓના યોગદાનની સરાહના કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur : નસવાડીના મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ
calendar_today October 25, 2026

Chhotaudepur : નસવાડીના મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત નસવાડી તાલુકામાં મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને અદ્યતન બનાવવા માટે કામગીરી હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે રવિવાર, તા. 25ના રોજ નસવાડી તાલુકાનાં કુલ 167 મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં બૂથ લેવલ ઓફ્સિર (બીએલઓ) ઉપસ્થિત રહી મતદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.નસવાડીના મામલતદાર વિરાજ સિંહ સિસોદિયાએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને મતદાર યાદી સુધારણા અંતર્ગત ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બીએલઓ પાસેથી કામગીરી અંગેની માહિતી મેળવી મતદારોને અપાતા માર્ગદર્શન તેમજ નવા મતદારોનાં નામ નોંધાવવા સહિતની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.મતદાર યાદી સુધારણા માટે તાલુકામાં કુલ 17 સુપરવાઇઝરની નિમણૂક કરાઇ છે. એક સુપરવાઇઝર આશરે 10 મતદાન મથકોની કામગીરીનું નિરીક્ષણ અને દેખરેખ રાખી રહ્યા છે. સુપરવાઇઝરોના માર્ગદર્શન હેઠળ બીએલઓ દ્વારા મતદાર યાદી સુધારણા સંબંધિત કામગીરી હાથ ધરાઇ છે. જેથી મતદાર યાદીમાં જરૂરી સુધારાઓ સમયસર અને ચોકસાઈપૂર્વક થઈ શકે. આજે યોજાયેલ ઝુંબેશ દરમિયાન મતદારોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા તેમજ જરૂરી સુધારા કરાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. નવા મતદારોનાં નામ દાખલ કરવાં, મતદારના નામ કે અન્ય વિગતોમાં સુધારો કરવો, પાત્રતા મુજબ મતદાર યાદીમાંથી નામ કમી કરાવવાં તેમજ રહેઠાણનું સરનામું બદલવા સહિતની કામગીરી કરાઇ રહી છે. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. મતદાર યાદી સુધારણા અંતર્ગત તા.11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશના દિવસો નિર્ધારિત કરાયા છે. આ દિવસોમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથકો પર બીએલઓની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકામાં કુલ 1,12,793 મતદારો નોંધાયેલા છે. જેમાં 57,777 પુરુષ મતદારો અને 55,016 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward