Surendranagar: પામોલીન, કપાસિયા, સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સિંગતેલ બનાવવાના કેસમાં 7વર્ષે મુદ્દામાલનો નાશ
સુરેન્દ્રનગર એલસીબી ટીમે વર્ષ 2018માં વઢવાણ જીઆઈડીસીમાં ગાયત્રી એન્ટરપ્રાઈઝમાં રેડ કરી હતી. જેમાં પામોલીન, કપાસીયા અને સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સીંગતેલ બનાવવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે રૂ.4,32,600ના 309 તેલના ડબા જપ્ત કર્યા હતા. 7 વર્ષ બાદ સરકારી ખરાબામાં અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં 2018માં મોટાપાયે ડિસ્કો તેલનો કારોબાર ઝડપાયો હતો. 7 વર્ષ પહેલા ઝડપાયેલ આ તેલના મુદ્દામાલનો તા.7-1-26ના રોજ નાશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમને વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગાયત્રી એન્ટરપ્રાઈઝમાં પામોલીન, કપાસીયા અને સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સીંગતેલ બનાવી અન્ય કંપનીઓના લેબલ લગાવી પેકિંગ થતું હોવાની માહિતી મળતા રેડ કરી હતી. જેમાં ઝડપાયેલા અલકાપુરી ચોકમાં રહેતા અરવિંદ મદનલાલ ભુતડાની પોલીસે પુછપરછ કરતા ડિસ્કો તેલનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. આથી પોલીસે મામલતદાર, ફુડ વિભાગને ટીમ સાથે બોલાવ્યા હતા. તપાસ કરતા તેલમાં એસેન્સ નાંખી મહારાણી, તીન એક્કા, આસોપાલવ, ગોકુળ, રાજધાની ગોલ્ડ, દુલારી, કાઠીયાવાડ, રજવાડી, રાધિકા, ગાયત્રી, કેશર કંપનીના સ્ટીકરો લગાવાતા હતા. પોલીસને મોટી માત્રામાં આ સ્ટીકરો પણ મળી આવ્યા હતા. અરવિંદ ભુતડાની પૂછપરછ કરાતા આ એસેન્સ બનાસકાંઠા જિલ્લાના ડીસાની ઓમપાર્ક સોસાયટીમાં રહેતા નીલેશ રતિલાલ ચોખાવાળાએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. આ એસેન્સ રૂ.7 હજારનું પ લીટર આવ્યું હતું. આથી પોલીસે પ્રજા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાના ગુના સબબ અરવિંદ ભુતડા અને નીલેશ ચોખાવાળા સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી અને 309 તેલના ડબા કિંમત રૂ.4,32,600, એસન્સના 3 કેન કિંમત રૂ.21 હજાર, 2,891 તેલના ખાલી ડબા, 4500થી વધુ વિવિધ તેલની બ્રાન્ડના લેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward