android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad : બે પ્રાધ્યાપકોને વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોમાં સ્થાન મળતાં આનંદ છવાયો
calendar_today October 26, 2026

Nadiad : બે પ્રાધ્યાપકોને વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોમાં સ્થાન મળતાં આનંદ છવાયો

નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી (ડીડીયુ) ના બે આસીસ્ટન્ટ પ્રોફેસરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. યુનિવર્સિટીના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.પ્રણવ આર. મહેતા અને ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનીયરીંગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.હિમાશુંકુમાર આર.પટેલનો એલ્સેવિયર અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ થયો છે. વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાપના મેળવનાર બંને પ્રાધ્યાપકોની સંશોધન ક્ષેત્રે કામગીરી અને આંકડાકીય વિગતો મુજબ ગુગલ સ્કોલર પ્રોફાઈલ મુજબ ડૉ.પ્રણવ આર.મહેતાના 91થી વધુ સંશોધનપત્રો અને 2600થી વધુ સાઈટેશન્સ છે. તેમનો એચ- ઈન્ડેક્સ 29 અને આઈ10-ઈન્ડેક્સ 47 છે. તેમનું સંશોધન સૌર ઉર્જા, સૌર ડિસેલિનેશન, ટકાઉ થર્મલ સિસ્ટમ, મિકેનિકલ ડિઝાઈન ઓપ્ટિમાઈઝેશન અને એઆઈ આધારિત એન્જીનિયરીંગ પર કેન્દ્રિત છે. બીજી તરફ ડૉ.હિમાંશુકુમાર આર.પટેલે પણ સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 85 થી વધુ સંશોધનપત્રો પ્રકાશિત કર્યા છે. અને 1100 થી વધુ સાઈટેશન્સ મેળવ્યા છે. તેમનો એચ- ઈન્ડેક્સ 22 અને આઈ10 ઈન્ડેક્સ 41 છે. તેમના સંશોધન ક્ષેત્રોમાં આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ, ફોલ્ટ - ટોલરન્ટ કંટ્રોલ સિસ્ટમ, ફઝી સિસ્ટમ અને મેટાહ્યુરિસ્ટિક અલ્ગોરિધમ આધારિત ઓપ્ટિમાઈઝેશનનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવનાર આ સિદ્ધિને લઈને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદ્મશ્રી ડૉ.એચ.એમ.દેસાઈ, અંકુર એચ.દેસાઈ, રજિસ્ટ્રાર એમ.આર.ભાવસાર, ડીન પ્રો.વી.એ.શાહ, એન્જિનિયરીંગ વિભાગના વડા આર.એમ.જોશીએ બંને પ્રાધ્યાપકોને અભિનંદન આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad : ડાકોર રણછોડરાય મંદિરે હરખની હેલી
calendar_today October 26, 2026

Nadiad : ડાકોર રણછોડરાય મંદિરે હરખની હેલી

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં શરદોત્સવ પર્વ નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઊમટી હતું.સોમવારે સવારે 5.15 કલાકે મંગળા આરતી દર્શનનો લાભ લેવા મંદિરનો ઘુમ્મટ ભકતોથી ઉભરાઇ ગયો હતો. ભગવાનને કેસર સ્નાન અને નિત્ય પૂજા વિધી થયા બાદ શ્રી ઠાકોજીને મનોહર મોટો મુગટ (સવા લાખનો) ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં આખો દિવસ ભકતોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ એક લાખ ઉપરાંત ભકતોએ લીધો હતો. યાત્રાધામ આખો દિવસ ભકતોના જય રણછોડના નાદ થી ગુંજતો રહ્યો હતો યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરના હરેન્દ્રભાઇ સેવકે જણાવ્યું હતું કે, યાત્રાધામ ડાકોરમાં રવિવારે શરદોત્સવ ઉજવાયો હતો.બીજા દિવસે સોમવારે શરદપૂર્ણિમા યોજાઇ હતી. પૂનમ ભરનારા સોમવારે દર્શનાર્થીઓ ઊમટયા હતા .પૂર્ણિમાના દિવસે વહેલી સવારે 5.15 કલાકે દર્શન થયા હતા. આ સમયે શ્રીજીએ રાસબિહારી સ્વરૂપના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભકતો ઊમટી પડયા હતા. મંગળાઆરતી થયા બાદ ભગવાનને કેસર સ્નાન કરાવ્યા બાદ શ્રી ઠાકોરજીને શ્વેત ઝરીવાળા વાઘા અને સુવર્ણ આભુષણો તેમજ સુવર્ણ શંખ , ચક્ર , પદ્મ, ગદા અર્પણ કરવામાં આવી હતી. અને ભગવાનના શીરે મોટો મુગટ (સવા લાખનો ) ધરાવવામાં આવ્યો હતો. વર્ષો પહેલા આ મુગટની સવા લાખ હતી. હાલ આ મુગટની કિંમત કરોડો રૂપિયા મૂલ્ય આંકવામાં આવે છે . શ્રીજીને આ મોટો મુગટ વર્ષમાં ત્રણ વખત ધરાવવામાં આવે છે . શરદપૂર્ણિમા,કારતર પૂર્ણિમા અને જન્માષ્ટમી પર્વ પ્રસંગે મોટો મુગટ ધરાવવામાં આવે છે. આ દિવ્ય દર્શનનો લાભ લેવા મંદિરમાં વહેલી સવારે મંગળાઆરતી દર્શન થી મોડી સાંજે શયન આરતી દર્શન સુધી ભકતોનો અવિરત પ્રવાહ રહ્યા હતો. દિવસ દરમિયાન એક લાખ ઉપરાંત ભકતોએ ભગવાનના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. શયન દર્શન સમયે ભગવાનને ધરાવેલો મોટો મુગટ ઉતારીને ઇડીપીડી (નજર ઉતારવી) કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન અનુકૂળતાએ પોઢી ગયા હતા. યાત્રાધામમાં મીની મેળા જેવો માહોલ સર્જાયો હતો. આ પૂર્ણિમાને લઇને દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ ખડેપડે તૈનાત રહી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand : બોરસદના જંત્રાલમાં શ્રી લાડુ ઝાંપડી માતાજીના પ્રાગટય દિનની ઉજવણી
calendar_today October 26, 2026

Anand : બોરસદના જંત્રાલમાં શ્રી લાડુ ઝાંપડી માતાજીના પ્રાગટય દિનની ઉજવણી

બોરસદ તાલુકાના જંત્રાલ ગામે આવેલા શ્રી લાડું ઝાંપડી માતાજીના મંદિર પરિસરમાં માતાજીના પ્રાગટય દિવસ નિમિત્તે 21મા શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ધાર્મિક મહોત્સવમાં લોકમેળા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જંત્રાલ સહિત આસપાસનાં 10 થી વધુ ગામોના શ્રદ્ધાળુઓમાં મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, ધાર્મિક આસ્થા અને ઉત્સવી માહોલથી છવાઈ ગયું હતું. મહોત્સવના પ્રારંભ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાદ પરંપરાગત રીતે માંડવડીના દીપ પ્રજ્વલિત કરીને કેબિનેટ મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ જીલુભા સિંધા સહિત આમંત્રિત મહેમાનોએ શરદ પૂર્ણિમા ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. માતાજીના પ્રાગટય દિવસની ઉજવણીના ભાગરૂપે રાત્રે 10 વાગ્યે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્ય નજારાએ ઉત્સવની રોનકમાં વધારો કર્યો હતો. ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક અને સંગીત વૃંદના સથવારે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ભક્તોએ ભક્તિ સંગીતના તાલે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી. રાત્રે 12 વાગ્યે માતાજીની મહાઆરતી યોજાઈ હતી. માતાજીના જયઘોષ, ભક્તિ સંગીત અને દીપપ્રજ્વલિત આરતીના દિવ્ય માહોલથી મંદિર પરિસર ગુંજી ઊઠયું હતું. ભાવિક ભક્તોએ પરિવાર સાથે માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોકમેળો, રાસ-ગરબા, આતશબાજી અને મહાઆરતી સહિતના કાર્યક્રમોએ શરદ પૂર્ણિમાના પાવન પર્વને યાદગાર બનાવ્યો હતો. ધાર્મિક આસ્થા સાથે લોકપરંપરા અને સામૂહિકએકતાનો સંદેશ આપતો આ મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward