Bharuch : પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી
પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રૂા.2.93 લાખથી વધુની કિંમતનો ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી આવી હતી. વડોદરા પશ્ચિમ રેલવે પોલીસની SOGના સુરત કેમ્પની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ જથ્થોઝડપી પાડી ભરૂચ રેલવે પોલીસને સોંપ્યો હતો. આ મામલે અજાણ્યા શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વડોદરા પશ્ચિમ રેલવે પોલીસના સુરત કેમ્પમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ અને તેમની ટીમ સુરત રેલવે સ્ટેશનથી પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં સવાર થઈ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આવી ઊભી રહેતાં ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. ટ્રેનના ગાર્ડ તરફ્ના વિકલાંગ કોચની બાજુના કોચમાં તપાસ દરમિયાન બે બાથરૂમ વચ્ચે એક શંકાસ્પદ બેકપેક બિનવારસી હાલતમાં મળી આવી હતી. કોચમાં બેઠેલા મુસાફરોની પૂછપરછ કરવા છતાં બેગ અંગે કોઈ માહિતી મળી નહોતી. જેથી બેગની તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય પદાર્થનાં ચાર બંડલ મળી આવ્યાં હતાં.ત્યારબાદ બેગને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ FSLની મદદથી તપાસ કરાવવામાં આવી હતી. પરીક્ષણ દરમિયાન પદાર્થમાં કેનાબીસના સક્રિય ઘટકો મળી આવતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. વજન કરતાં કુલ 5 કિલો 877 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રતિ કિલો રૂા.50 હજારના અંદાજિત ભાવ પ્રમાણે તેની કિંમત રૂા.2.93 લાખથી વધુ થવા જાય છે. આ મામલે ભરૂચ રેલવે પોલીસે અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ગાંજાનો જથ્થો કોણે અને કયા હેતુથી ટ્રેનમાં મૂક્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward